વડોદરા-હાલોલ માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો
જરોદ નજીક 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં ઘટનાસ્થળે દંપત્તિનું મોત નીપજ્યું
અકસ્માતમાં અન્ય 3 લોકો પણ થયા ઇજાગ્રસ્ત
માર્ગ પર 3થી 4 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો
વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એક સાથે 5 વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ઘટનાસ્થળે જ દંપત્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રોડ પર 3થી 4 કિમીનો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા. એકસાથે 5 જેટલા વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો બુકડો બોલી ગયો હતો. હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ ડોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા ડોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતમાં અન્ય 3 વાહનચાલકોને પણ નાની-મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા હતા. આ સાથે જ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો.