વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની ચકચારી ઘટના
લક્ષ્મીપુરા વિસ્તારમાં મોડી રાત્રે કાર તળાવમાં ખાબકી
કારમાં સવાર 2 યુવકો પૈકી એક યુવકનું મોત નીપજ્યું
અન્ય એક યુવક કારમાંથી બહાર નીકળી આવતા બચાવ
બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા
વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક કાર તળાવમાં ખાબકી હતી, ત્યારે કારમાં સવાર 2 યુવકો પૈકી એક યુવકનું મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાંથી ગત મોડી રાત્રે એક ક્રેટા કાર પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. લગભગ 100થી 120ની સ્પીડે દોડી રહેલ આ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી જ તળાવમાં જઈને ખાબકી હતી.
આ દરમ્યાન કારમાં સવાર એક યુવક કારના બોનેટ ઉપર ચડી ગયો હતો, અને બહાર નીકળી આવ્યો હતો. પરંતુ અન્ય એક યુવકનું કારમાં જ તળાવના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જોકે, મોડી રાત્રે ફાયર વિભાગને બનાવની જાણ કરાતા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, અને યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ વિસ્તારના નગરસેવક તેમજ સામાજિક કાર્યકરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.