ભારે વરસાદના કારણે જળ બંબાકારની સ્થિતિ
ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને થઈ અસર
લોકોની સલામતી અને સુરક્ષા માટે તંત્ર સજ્જ
વહીવટી તંત્ર દ્વારા SDRFની 3 ટીમ તૈનાત કરાય
લોકોને સલામત સ્થળે સ્વયંભૂ ખસી જવા અપીલ
વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાતા લોકોની સલામતી અને સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા SDRFની 3 ટીમને તૈનાત કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં ગતરોજ વરસેલા 12 ઈંચ વરસાદમાં સમગ્ર વડોદરા શહેર જળમગ્ન બન્યું છે. ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી ગયું છે, ત્યારે કાલાઘોડા બ્રિજ સહિત અન્ય વિશ્વામિત્રી બ્રિજના તમામ બ્રિજ પર હાલમાં પાણી ફરી વળ્યા છે.
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા રસ્તાઓ હાલમાં બંધ કરવાની ફરજ પડે છે, તો બીજી તરફ, શહેરના અનેક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાતા તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પણ પુરજોશમાં કરવામાં આવી રહી છે. વડોદરામાં પૂરની પરિસ્થિતિના કારણે SDRFની 3 ટીમને તૈનાત કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને SDRFની ટીમ દ્વારા રેસક્યું કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે સ્વયંભૂ ખસી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે.