Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઝાડા-ઉલટીના કારણે જેતલપુરની 20 વર્ષીય યુવતીનું મોત, સ્થાનિકોએ બોલાવ્યો કોર્પોરેશનનો "હુંરિયો"

વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં ગત શનિવારે ઝાડા-ઉલટીના કારણે 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું.

X

વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં ગત શનિવારે ઝાડા-ઉલટીના કારણે 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મેયર સહિત નગરસેવકો મૃતક યુવતીના પરિજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા, જ્યાં નારાજ સ્થાનિકોએ મેયર અને કોર્પોરેશનનો હુંરિયો બોલાવ્યો હતો.

વડોદરા શહેરના જેતલપુર વિસ્તારના હરીજનવાસમાં રહેતી 20 વર્ષીય યુવતીને છેલ્લા 4 દિવસથી ઝાડા-ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેવામાં ગત શનિવારે યુવતીની તબિયત વધુ લથડતા તેનું મોત નીપજ્યું હતું. આ વિસ્તારના અન્ય 2 લોકો પણ ઝાડા-ઉલટીની સારવાર માટે દાખલ છે, ત્યારે મેયર કેયૂર રોકડિયા અને નગરસેવકો સહિત વિપક્ષના નેતા અમી રાવત મૃતકના પરિજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા, જ્યાં રોષે ભરાયેલા સ્થાનિકોએ મેયર અને કોર્પોરેશનનો હુંરિયો બોલાવતા તમામ અધિકારીઓને સ્થળ પરથી જતું રહેવાની ફરજ પડી હતી.

જોકે, વડોદરા કોર્પોરેશનમાં પાણી, ડ્રેનેજ અને રસ્તા બાબતે સ્થાનિકોએ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, ત્યારે દીકરીના મોત માટે હવે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અહીના સ્થાનિકોને છેલ્લા દોઢ મહિનાથી દુર્ગંધ મારતું પાણી મળી રહ્યું છે. જેથી પાણી ખરીદીને ઉપયોગ કરવાનો વખત આવ્યો છે. આ વિસ્તારના નાના બાળકો સામે પણ જોખમ ઊભું થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી અને ડ્રેનેજના પાણી પણ રોગચાળાનું કારણ બની રહ્યા છે, ત્યારે પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. જેથી હવે સ્થાનિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે.

Next Story