Connect Gujarat
વડોદરા 

વડોદરા : પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડવા નગરસેવકે પાણીમાં બેસીને નોંધાવ્યો વિરોધ...

શહેરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રાજસ્થંભ સોસાયટીમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતાં રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

X

વડોદરા શહેરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ત્રસ્ત રાજસ્થંભ સોસાયટીમાં ફરી એકવાર વરસાદી પાણી ભરાઈ જતાં રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સહિત નિષ્ફળતાની પોલ ઉઘાડી પાડવા સ્થાનિક નગરસેવકે અન્ય સ્થાનિકો સાથે પાણીમાં બેસીને અનોખો વિરોધ નોંધાવ્યો છે.

છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેરમાં સામાન્ય વરસાદ પડે, ત્યાં તો રાજમહેલ રોડ પર આવેલ રાજસ્થંભ સોસાયટી ટાપુમાં ફેરવાઈ જાય છે. પાલિકાની વડી કચેરીથી માત્ર એક કિલોમીટરના અંતરે આવેલી રાજસ્થંભ સોસાયટીના આવા હાલ થાય તો વડોદરાની શું સ્થિતિ સર્જાતી હશે તેની આપ કલ્પના કરી શકો છો. હાલ ચોમાસાની શરૂઆતમાં વરસેલા સામાન્ય વરસાદમાં જ રાજસ્થંભ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે. સોસાયટીની આસપાસ ત્રણેય તરફ વરસાદી કાંસ અને તળાવ આવેલા છે, જ્યારે એક તરફ પ્રવેશ માર્ગ છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે.

જોકે, રાજસ્થંભ સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી આવી જ સ્થિતિ છે. 2 વર્ષ અગાઉ પણ સોસાયટીના રસ્તા પર મગર ફરતા નજરે ચઢ્યા હતા. છતાંય આ વર્ષે પાલિકા દ્વારા માત્ર કાગળ પર થયેલી પ્રિ-મોન્સૂન કામગીરીના કારણે ફરી એકવાર યથાવત સ્થિતિ સર્જાઈ છે. થોડા સમય પહેલા પાલિકાએ લાલબાગ તળાવને ખાલી કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે, આ કામગીરી પણ નિષ્ફળ નિવળી છે, જ્યારે આજે સવારથી વડોદરા શહેરમાં 10 મીમી વરસાદ પડતાંની સાથે જ સોસાયટી ટાપુમાં ફેરવાય છે, ત્યારે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પાડવા સ્થાનિક નગરસેવકે અન્ય સ્થાનિકો સાથે પાણીમાં બેસીને પાલિકા પ્રત્યે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

Next Story