/connect-gujarat/media/post_banners/d2139b573a1693ec5dede07d4a61411804de13dc57eff0ee173ebb39238e4100.jpg)
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની લામડાપુરા જીઆઇડીસીમાં આવેલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સાવલી તાલુકાની લામડાપુરા જીઆઇડીસીમાં આવેલ રેઇન સ્માર્ટ સોલ્યુશન કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાના પગલે કંપની સત્તાધીશોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સાવલી અને મંજુસરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે 2 ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, કંપનીમાં ગેસના બોટલ હોવાના કારણે આસપાસથી પસાર થતાં રાહદારીઓને પણ દૂર રખાયા હતા. બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો આગ લાગવાનુ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સદનસીબે આગની ઘટનામાં કોઈપણ જાનહાની નહીં થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.