/connect-gujarat/media/post_banners/85e2e385397677c26cd1d01ec51422d9849302eac6c3fbddbe6794c22b790f9f.jpg)
રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં પાટીદાર સમાજને પોતાની તરફે કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. સુરત ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પહેલાં વડોદરા ખાતે પ્રમોશનલ કાર્યક્રમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
આગામી દિવસોમાં સુરત ખાતે વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાવા માટે જઇ રહી છે. આ સમિટનો પ્રમોશનલ કાર્યક્રમ આજરોજ વડોદરા ખાતે યોજાયો હતો. મિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આ સમિટ યોજાવાની છે. વડોદરા ખાતે પ્રમોશનલ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સુરત ખાતે મળનારી સમિટની તૈયારીના ભાગરૂપે વડોદરામાં આ કાર્યક્રમ યોજાયો છે .જેમાં ઘણા ઉદ્યોગપતિ જોડાતા ગુજરાત, લોકો તથા ઇન્ડસ્ટ્રીયલને ફાયદો થશે.
વડોદરા ખાતે આવેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં કથિત ભરતી કૌભાંડ અંગે સવાલ કરાયો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભરતી કૌભાંડમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં સત્તાધીશો હાલ ભરતી કૌભાંડમાં સપડાયા હોય તેમ લાગી રહયું છે. યુનિવર્સીટીમાં સરકાર નિયુકત સિન્ડીકેટ સભ્યોએ કથિત ભરતી કૌભાંડની તપાસની માંગણી કરી છે. આ સિન્ડીકેટ સભ્યોને સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું પીઠબળ છે.