વડોદરા સેન્ટ્રલ જેલમાંથી થયા મુક્ત,જેલ બહાર સાર્થકોએ ઉત્સાહભેર કર્યું સ્વાગત
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા તારીખ 24 સપ્ટેમ્બરે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમના સમર્થકોએ તેમને ખભા પર બેસાડીને સ્વાગત કર્યું હતું.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અઢી મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા,તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા, તેથી તારીખ 24મી સપ્ટેમ્બર બુધવારના દિવસે વહેલી સવારથી જ વડોદરા મધ્યસ્થ જેલ બહાર સમર્થકોનો જમાવડો હતો.ચૈતર વસાવા જેલની બહાર આવતાં જ સમર્થકોએ ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું.
હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે.
જેલ બહાર સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ધારાસભ્ય ચૈતર વસાવાને ભલે જામીન મળ્યા હોય, પરંતુ તેમને કેટલીક કડક શરતોનું પાલન કરવું પડશે. હાઈકોર્ટે તેમને ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની શરત મૂકી છે.
આ સમયે ચૈતર વસાવાએ ભાજપ સરકાર અને પોલીસે તેમને ફસાવ્યા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.