Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધો-1માં પ્રવેશ મામલે વાલીઓ બન્યા આક્રમક...

નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મામલે વાલીઓ આક્રમક બની વડોદરાના કમાટીબાગ ખાતે માનવ સાંકળ રચી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

X

નવી શિક્ષણ નીતિ પ્રમાણે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ મામલે વાલીઓ આક્રમક બની વડોદરાના કમાટીબાગ ખાતે માનવ સાંકળ રચી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં બાળકો પણ મોઢા પર કાળી પટ્ટી ધારણ કરી પ્લે કાર્ડ સાથે રાખી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

રાજ્ય સરકાર આ વર્ષે નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ કરવા જઈ રહી છે, ત્યારે જે બાળકને 6 વર્ષ પૂર્ણ થયા હશે, તેવા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો શિક્ષણ નીતિમાં નિયમ હોવાથી ગુજરાતમાં અંદાજિત 3 લાખ જેટલા બાળકોનું ભવિષ્ય બગડે તેમ છે, ત્યારે વાલીઓ દ્વારા આ બાબતે વારંવાર આવેદન પત્રો તેમજ રજૂઆતોના માધ્યમથી વિરોધ કરવામાં આવ્યો હતો.

પરંતુ સરકાર દ્વારા મક્કમ વલણ અપનાવતા અંતે વાલીઓએ વડોદરા શહેરના કમાટીબાગ ખાતે માનવ સાંકળ રચી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બાળકો પણ પ્લે કાર્ડ સાથે મોઢા પર કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેમાં બાળકોએ પણ ધોરણ 1માં પ્રવેશ મેળવવાનો અધિકાર છે, અને તેઓ પરીક્ષા આપવા માટે પણ તૈયાર હોવાની સરકાર સમક્ષ માંગ કરી હતી.

જો નવી શિક્ષણનીતિ પ્રમાણે બાળકોને પ્રવેશ મેળવવો હોય તો હજુ એક વર્ષ તેમને ભણાવવા પડે અથવા તો ઘરે બેસાડવાનો વખત આવે, ત્યારે આવા સંજોગોમાં વાલીઓ ઉપર પણ આર્થિક ભારણ પડતું હોય, તેવામાં વાલીઓ દ્વારા સરકાર પાસે માત્ર આ વર્ષ પૂરતી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી,

જેથી અન્ય રાજ્યોને સરખામણીમાં ગુજરાતના બાળકોનું ભવિષ્ય બગડે નહીં. તો બીજી તરફ, વાલીઓએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો સરકાર જંત્રીનો ભાવ વધારો અમલ કર્યા બાદ બિલ્ડરોના વિરોધ વચ્ચે તેને હાલ પૂરતો થોડા સમય માટે સ્થગિત કરી શકતી હોય, રસ્તે રખડતા ઢોરો મામલે વિધેયક મંજૂર કર્યા બાદ પણ માલધારી સમાજના વિરોધને પગલે કાયદો પણ પરત ખેંચાતો હોય, તો ધોરણ એકમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીઓ માટે સરકાર કુણુ વલણ કેમ નથી અપનાવતી, શું બાળકોને મતાધિકાર નથી માટે સરકાર કડક વલણ અપનાવી રહી છે તેવા વેદક સવાલ વાલીઓએ કર્યા હતા. જો સરકાર બાળકોના ભવિષ્ય માટે નમતું નહીં ઝોખે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ વાલીઓએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story