Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઉનાળાના પ્રારંભે જ વાઘોડિયાની વૈકુંઠ સોસાયટીમાં પાણીનો કકળાટ, સ્થાનિક મહિલાઓમાં રોષ..!

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીના રહીશોને છેલ્લા 3 વર્ષથી પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે

X

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીના રહીશોને છેલ્લા 3 વર્ષથી પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે, ત્યારે સ્થાનિક મહિલાઓએ બાપોદ પાણીની ટાંકી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

વડોદરા મહાનગર સેવા સદનના આયોજનના અભાવે ઉનાળાની શરૂઆત થતાંની સાથેજ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના રહીશો છેલ્લા ૩ વર્ષથી પાણી માટે ટળવળી રહ્યા છે. તો બીજી તરફ, કોર્પોરેશન દ્વારા છેવાડાના વેમાલી વિસ્તારમાં 9 લાખ લિટર પાણી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા પાણી વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ પાણીની પુરતી સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. રોજબરોજ સોસાયટીની મહિલાઓ પાણીના પોકાર સાથે મોરચાઓ કાઢી રહી છે. વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીની મહિલાઓ બાપોદ પાણીની ટાંકી ખાતે પહોંચી પાણી માટે રજૂઆત કરી હતી. જેમાં પાણીવેરો ભરવા છતાં, પાણી વેચાતુ લાવીને પીવાનો વખત આવ્યો હોવાનું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું. આ સાથે જ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો કોર્પોરેશનની કચેરીએ માટલા ફોડવાની પણ સ્થાનિક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી.

Next Story