/connect-gujarat/media/post_banners/fc4e52b330056875399f8f16ee2d5d2062bf5aa5dcd9507dd3c540a52e4ee0c9.jpg)
વડોદરા શહેરમાં ચાલી રહેલ નવરાત્રી મહોત્સવની ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકરનું વડોદરા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
નારીશક્તિના આહ્વાનના પર્વ અને વિશ્વના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય એવા નવરાત્રી મહોત્સવની ચાલી રહેલી ઉજવણીને માણવા વિવિધ દેશના 60 જેટલા રાજદ્વારીઓ અને વિદેશ મંત્રી ડો. સુબ્રમણ્યમ જયશંકર વડોદરા શહેરના મહેમાન બન્યા છે, ત્યારે આ મહાનુભાવો વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા પરંપરાગત્ત ગરબા અને ઢોલના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ તો વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે, અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રિમાં બને છે. જોકે, એક સાથે વિવિધ દેશોના 60થી વધુ રાજદ્વારીઓ ગરબા નિહાળે એવી સાંસ્કૃતિક ઘટના પહેલીવાર બનવા જઈ રહી છે, ત્યારે વડોદરાના વિવિધ શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતા વિદેશી છાત્રો પણ સ્વાગત માટે એરપોર્ટ આવ્યા હતા. વિદેશ મંત્રીએ આ છાત્રો સાથે ટૂંકો સંવાદ પણ સાધ્યો હતો, જ્યાં તેમણે શૈક્ષણિક પ્રગતિ અને અભ્યાસમાં રહેલી સાનુકૂળતાઓ અંગે પૃચ્છા કરી હતી. આ પ્રસંગે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલે, જિલ્લા કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.