Connect Gujarat
વડોદરા 

વડોદરા : SSG હોસ્પિટલની ઘોર બેદરકારી, મૃતદેહની અદલા-બદલી થતાં અન્ય પરિવારે કરી દીધા અગ્નિસંસ્કાર

અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો.

X

વડોદરાની સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અંતિમવિધિ માટે મૃતદેહ લેવા પરિવારજનો જ્યારે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પર પહોંચ્યા તો ત્યાંથી મૃતદેહ ગાયબ હતો. બાદમાં પરિવારજનોએ હોબાળો મચાવી મૃતદેહની માગ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગના સ્ટાફે મૃતદેહ અન્ય પરિવારને આપી દીધો હતો, અને એ મૃતદેહની અંતિમવિધિ પણ થઈ ગઈ છે.

વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં માત્ર, વડોદરા, ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. અને અહિંયાના નિષ્ણાંત ડોક્ટરોની સારવાર થકી અનેક જૂની બિમારીઓથી લોકોને રાહત મળી છે, ત્યારે એસએસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ દ્વારા ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં એક પરિવારના સ્વજનનો મૃતદેહ અન્યને સોંપી દીધો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તાજેતરમાં એક દર્દી નિત્યાનંદ ગુપ્તાને ગભરામણ થતા તેમને સારવાર અર્થે ગોત્રીની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારે ગોત્રી હોસ્પિટલમાં પ્રક્રિયા પૂર્ણ કરી તેમના સ્વજનના દેહને એસએસજી હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ કોલ્ડ સ્ટોરેજમાં મુક્યો હતો. જે બાદ મૃતદેહ લઇ જવાની વેળાએ પરિજનો એસએસજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા, તો નિત્યાનંદ ગુપ્તાનો મૃતદેહ મળ્યો ન હતો. આ અંગે મૃતક નિત્યાનંદ ગુપ્તાના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, મારા સસરાને છાતીમાં દુખાવાની તકલીફ થતા ગોત્રી હોસ્પિટલ લઇ ગયા હતા, ત્યારે રસ્તામાં જ તેમણે દેહ ત્યાગ કર્યો હતો.

જોકે, મૃતકના સંબંધિ બહાર રહેતા હોવાના કારણે તેમના દેહને એસએસજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અહિંયા તેમનું પીએમ કરીને તેમનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો હતો. જે બાદ મૃતદેહ ન મળતા સ્વજનનો મૃતદેહ ક્યાં ગયો તેને લઇને કોઇ ખ્યાલ ન હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા સ્વજન સહિત અન્ય 3 મૃતદેહ પણ આવ્યા હતા, ક્યાંક કોઇની જોડે અદલા બદલી ન થઇ ગઇ હોય, ત્યારે તપાસ કરતા મકરપુરામાં મૃતદેહ અપાય ગયો હતો. જે અંગેનો વિડીયો મંગાવતા તે પોતાના સ્વજનનો હોવાનું ધ્યાને આવ્યું હતું. જોકે, તે લોકોએ ગત સાંજે જ અગ્નિ સંસ્કાર કરી દીધો છે, જ્યારે પીએમ થાય ત્યારે મૃતદેહ પર ટેગ મારવામાં આવે છે. તો આ લોકોએ ટેગ જોયા વગર કેવી રીતે કોઇને કોઇનો મૃતદેહ આપી દીધો..! વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મારી પાસે આ અંગેની પાવતી પણ છે. આ સાથે જ મૃતકના પરિજનો કોલ્ડ સ્ટોરેજના ડોક્ટર્સ અને સ્ટાફ પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમ બહાર મૃતકના સ્વજન અને પોલીસ સહિતના લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જોકે, આ મામલે પોલીસ દ્વારા સમજાવટ થકી બધુ થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જોકે, આ મામલે 3 સિનિયર સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ ઘટનાને ગંભીર ગણી 72 કલાકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ સાથે રિપોર્ટ બાદ કસૂરવારો સામે કાર્યવાહી કરાશે.

Next Story