વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કે, બહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે. પરંતુ વડોદરા મનપાએ સ્થાનિક સફાઈ કામદારોને AMCના જેકેટ પહેરાવી કામે લગાવતા મામલો ગરમાયો છે.
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ હવે સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે, અમદાવાદ અને સુરત સહીની મહાનગરપાલિકાઓમાંથી ટીમોને બોલાવવામાં આવી છે, અને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જોકે પાલિકા તંત્ર લોકોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, જ્યારે AMCના જેકેટ પહેરીને સફાઈ કરતા કર્મચારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, તેઓ તો વડોદરાના જ છે. માત્ર જેકેટ જ અમદાવાદ મહાનગરપાલિકાના પહેર્યા છે. તેઓને કોર્પોરેશનમાં નોકરી આપવાના બહાને સફાઈ કામે લગાવી દેવામાં આવ્યા હતા. જોકે, તેઓ તમામ વડોદરાના જ સોલંકી સમાજના યુવાનો છે, ત્યારે શું મનપા હવે સફાઈ કામમાં પણ લોકોને અંધારામાં રાખે છે, અને આ યુવાનો કે, જેઓ કોઈ આશા સાથે કામકાજે લાગ્યા છે, તેઓ પોતાની નોકરી છોડીને કોર્પોરેશનમાં નોકરી મળશે તે આશાએ આવ્યા હતા, અને તેઓની ભાવના સાથે પણ જાણે ખિલવાડ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.