વડોદરાના નાગરવાડાની ટીપી સ્કીમમાં આવેલાં સોનિયાનગરના 110 કાચા-પાકા મકાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યાં છે. શિયાળાની કકડતી ઠંડીમાં અનેક પરિવારોના માથેથી છત છીનવાય જતાં તેઓની હાલત દયનીય બની છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતના ૧૧૦ જેટલા કાચા - પાકા મકાનો તોડી પાડવામાં આવ્યાં છે. ગત સોમવારના રોજ સોનિયાનગરનું ડીમોલીશન કરવાનું હતું પણ પોલીસ બંદોબસ્ત નહિ મળતાં કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. આજે મનપાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સોનિયાનગર પહોંચી હતી. સોનિયા નગરની વાત કરવામાં આવે તો... કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતમાં કાચા પાકા ૨૫૦ જેટલા આવાસો હતાં જેમાંથી અગાઉ તોડી પાડવામાં આવ્યાં હતાં. ૧૧૦ જેટલા મકાનોની પોલીસની કામગીરી અધૂરી રહી હતી કારણ કે પાલિકાએ નક્કી કરેલી ૨૧ હજારની રકમ મુજબ લાભાર્થીઓને મકાન ફાળવવાના બદલે ૫૦ હજાર રકમ ભરવા જણાવતાં વિવાદ થયો હતો. 110 પરિવારોએ લડતના મંડાણ કર્યા હતાં. અગાઉ અનેકવાર સ્થાનિકોને દબાણ દુર કરવા પાલિકા તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી પણ રહીશોએ તેનો પણ વિરોધ કર્યો હતો. આખરે પોલીસ બંદોબસ્ત સાથે સોનિયાનગરના બાકી રહેલાં 110 મકાનોને ધરાશાયી કરી દેવાયાં છે.