Connect Gujarat
વડોદરા 

વડોદરા : મેયર અને મ્યુ. કમિશ્નરે સિટી બસમાં મુસાફરી કરી, નવી ટ્રેકિંગ સિસ્ટમ અંગે રિયાલિટી ચેક કર્યું…

શહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં બસ આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે,

X

વડોદરા શહેરના 84 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં બસ આવશે તે દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ તેમજ મોબાઇલ એપમાં પણ સિટી બસનું લાઇવ લોકેશન જોવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ત્યારે વડોદરાના મેયર અને મ્યુ. કમિશ્નરે સિટી બસમાં મુસાફરી કરી ટ્રેકિંગ સિસ્ટમ અંગે રિયાલિટી ચેક કર્યું હતું.

વડોદરા શહેરમાં મહાનગર પાલિકા દ્વારા અપાવામાં આવેલા કેન્ટ્રાક્ટ હેઠળ વિનાયક લોજીસ્ટિક દ્વારા સિટી બસ સેવા સંચાલિત કરવામાં આવે છે. આ સુવિધા લોકો માટે વધુ સારી રીતે ઉપયોગી બની શકે તે માટે સિટી બસમાં GPS લગાવવામાં આવ્યા છે. સાથે જ શહેરના 85 સિટી બસ સ્ટોપ પર બસ કેટલા સમયમાં આવશે તે દર્શાવતા ડિસ્પ્લે મુકવામાં આવ્યા છે. જેથી હવે આ બસ સ્ટોપ પર આવતા મુસાફરોને તેના રૂટની બસ કેટલા સમયમાં આવશે તેની જાણ થશે. જો કોઇ મુસાફર તેમના ઘરે હોય અને બહાર જવા માટે પ્લાનિંગ કરતા હોય તો તેમના નજીકના સિટી બસ સ્ટેશને તેમના રૂટની બસ કેટલા સમયમાં આવશે તે "વડોદરા સ્માર્ટ સિટી બસ એપ્લિકેશન" દ્વારા જાણી શકાશે. જેથી હવે વડોદરાના શહેરીજનો ઘરેથી જ મુસાફરીનું પ્લાનિંગ કરી શકશે અને તેમને બસની વધુ સમય રાહ જોવાની જરૂર નહીં પડે. બસમાં મુસાફરી દરમિયાન પણ પેસેન્જર એપ દ્વારા જાણી શકશે કે, હવે આગામી બસ સ્ટોપ કયું આવશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને IOS પર ઉપલબ્ધ છે.

જોકે, વડોદરામાં સિટી બસના મુસાફરો માટે શરૂ કરવામાં આવેલા GPS અને લોકેશનની સુવિધા બરાબર કામ કરે છે કે, નહીં તે માટે વડોદરાના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલે સિટી બસની મુસાફરી કરી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનર ખંડેરાવ માર્કેટથી માંજલપુર સુધી સિટી બસમાં ગયા હતા, અને ત્યાંથી પરત ખંડેરાવ માર્કેટ આવ્યા હતા. આ દરમિયાન ડિસ્પ્લેમાં બતાવવામાં આવતા સમયે બસ આવે છે કે, નહીં અને મુસાફરોને કેવી સુવિધાઓ આપી શકાય તે અંગે પણ તેમણે લોકોના અભિપ્રાય લીધા હતા. વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, શહેરની 150 સિટી બસમાં GPS સિસ્ટમ મુકાઇ છે. તેમજ 87 બસ સ્ટેશન પર ડિસ્પ્લે દ્વારા ક્યા રૂટની બસે ક્યારે આવશે તેની માહિતી અપાશે. જેથી મુસાફરોને ઘણી અને સારી સુવિધા રહેશે.

Next Story