વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ આવેલ કમલા રમણ વાટિકા કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ધનંજય ચંદ્રચૂડ પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 231 વિદ્યાર્થિનીઓ અને 113 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તમે એવી યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી છે, તેના પાયામાં રાષ્ટ્રહિત છે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકાયો છે. વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓનો ખૂબ ફાળો છે. MS યુનિવર્સિટીએ વિરલ વિભૂતિઓ આપી છે. તમે અહીં મેળવેલા જ્ઞાનથી રાષ્ટ્રનું નિર્માણ કરજો. આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવના હોવાથી વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સમારોહ સ્થળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.