/connect-gujarat/media/post_banners/f7425ba1ac3a03f07027a666a8264d6936351ddb58c0881bbd07dc4e360fa32d.jpg)
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેકટ્રોનિક્સ પ્લેટફોમ ઉપર બિડિંગ કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂપિયા 100 કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવી હતી. આ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડિંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં 44 સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેથી રૂપિયા 100 કરોડની કિંમતના બોન્ડ સામે 14 ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી. જેની શરૂઆત 11 વાગે થતાં એક સેકન્ડમાં 452 કરોડ ભરાયા હતા, જ્યારે 12 વાગે રૂપિયા 1007 પર બોન્ડની રકમ ભરાઈ હતી. વર્ષ 2019ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા 1220.53 કરોડની કિંમતના 30 ટકા હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 100 કરોડના બોન્ડ બહાર પાડવા માટે કવાયત હાથ ધરી હતી. જે રીતે સરકારી અને ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓનો સહકાર મળ્યો છે, તે બાદ બોન્ડમાં આ કંપનીઓને 7.90 ટકા વ્યાજ ચૂકવાશે. જેનું લિસ્ટિંગ તા. 6ઠ્ઠી માર્ચે થશે. આ બિડિંગ સમયે મેયર પિંકી સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી તેમજ પાલિકાના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.