/connect-gujarat/media/post_banners/4e727c2092419c07f6a649a12fe92f78a36e7ab1e7b15a3db4058222399595ae.jpg)
વડોદરા શહેરના તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધનું ગળું કાપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તરસાલી રોડ પરના ભાઇલાલ પાર્ક ટેનામેન્ટમાં લૂંટ વિથ મર્ડરનો મામલો સામે આવ્યો છે. સવારના 4 વાગ્યાની આસપાસ લૂંટારુએ લૂંટના ઈરાદે ઘરની લાઈટ કાપી નાખી હતી. જેથી ગરમી લાગતાં અને ઘરની લાઈટ જતા 70 વર્ષીય સુખજિત કૌર ગરમી લાગતા ઘરની બહાર નીકળ્યા હતા. દરવાજો ખોલતાની સાથે જ લૂંટારુએ તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. વૃદ્ધાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારીને સોનાની ચેન અને કાનની બુટ્ટી લઈને લૂંટારુ ફરાર થઈ ગયા હતા. લૂંટારુ વૃદ્ધાનું ગળું કાપી નાખતા ઘરના ઉંબરા પાસેથી લોહીનો રેલો ચાલ્યો હતો, અને વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને લઈ મકરપુરા પોલીસ મથકનો સ્ટાફ, પીઆઈ, એસીપી, ડીસીપી સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવ અંગે જાણ થતાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા પણ સ્થળે દોડી ગયા હતા. સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લૂંટ વિથ મર્ડર મામલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારએ જણાવ્યું હતું કે, આરોપીએ લાઇટ કટ કરીને લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના સ્થળે FSLની ટીમની મદદ લેવામાં આવી હતી. આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ, SOG, PCB, સ્થાનિક પોલીસની ટીમો બનાવી છે. જોકે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.