/connect-gujarat/media/post_banners/b54028fe93a30f579f283a3b50acb1128896655ef3640a385b733d7ff6c0493a.jpg)
વડોદરામાં આજે વહેલી સવારથી બે કેમિકલ કંપની, ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ સ્થાન સહિત 7 જેટલા સ્થળે આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક સાથે 7 જેટલા સ્થળોએ દરોડાની કામગીરી આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા કરચોરી કરનાર ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળેલી માહિતી પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા શહેરના ગોરવા, ગોત્રી હરીનગર પાણીની ટાંકી પાસે આવેલી કેમિકલ કંપનીની ઓફિસો, ગોરવા બી.આઇ.ડી.સી., પાનોલી જી.આઇ.ડી.સી.માં તેમજ નંદેશરી ખાતે આવેલા કેમિકલ ઉત્પાદન એકમો ઉપરાંત કંપનીઓના ડાયરેક્ટરોના નિવાસ સ્થાનો સહિત 7 જેટલા સ્થળો ઉપર આવકવેરા વિભાગે સામુહિક દરોડા પાડ્યા હતા.
નોંધનીય છે કે, આ બે કંપનીઓ પ્રકાશ અને કચ્છ કેમિકલ કંપનીઓ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે, આવકવેરા વિભાગ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. આવકવેરા વિભાગે વહેલી સવારથી સ્થાનિક પોલીસ તંત્રની મદદ લઈને દરોડાની કામગીરી હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરી તપાસ હાથ ધરી છે. ઉપરાંત બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે. આ સાથે આવકવેરા વિભાગની ટીમો દ્વારા કંપનીમાં થતું કેમિકલ ઉત્પાદન અને વેચાણ સહિતની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.