Connect Gujarat
વડોદરા 

વડોદરા : ફતેગંજની હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મોત, હોટલમાં કામ કરતાં કર્મીઓની સુરક્ષા સામે સવાલ..!

જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો

X

ફતેગંજ વિસ્તારની સુબા ઇલાઇટ હોટલનો ચકચારી બનાવ

હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મોત થયાની ઘટના

મૃતકના પરિવારે હોટલ કર્મીની સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી સુબા ઇલાઇટ નામની હોટલમાં કામ કરતા કર્મચારીનું શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે, ત્યારે મૃતકના પરિવારે હોટલમાં કામ કરતા કર્મીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા છે. તાજેતરમાં વડોદરાની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકોની સુરક્ષા સામે બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આવી જ કડક કાર્યવાહી હોટલમાં કામ કરતા લોકોની સુરક્ષામાં બેદરકારી દાખવનારાઓ પણ થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

તેવામાં શહેરના યાકુતપુરા હુસૈન મસ્જિદ પાસે રહેતો 23 વર્ષિય યુવક સાબિલ મલેક ફતેગંજ રોડ પર આવેલી સુબા ઇલાઇટ હોટલમાં ગીઝરનું કામ કરતો હતો. આ દરમિયાન વીજ કરંટ લાગતા તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારનું પાલન-પોષણ કરતા જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો છે.

તો બીજી તરફ, યુવાનના મોતને લઇને સ્વજનો પર આફતનું વાદળ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. બનાવની જાણ થતા જ પોસ્ટમોર્ટમ રૂમ બહાર સ્વજનોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં ઘટના મામલે ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

Next Story