મહાવિનાશક પૂરથી થયું હતું શહેરભરમાં ભારે નુકશાન
પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો દ્વારા વિરોધ
નુકશાનીનું પૂરેપૂરું વળતર આપવાની ઉઠી છે લોકમાંગ
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો
જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળે તેવી માંગ
વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાનનું પૂરેપૂરું વળતર આપવાની માંગ સાથે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં પૂર અસરગ્રસ્તો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો.
દિવાળીનો તહેવાર નજીકમાં છે, ત્યારે વડોદરામાં મહાવિનાશક પૂરથી થયેલા નુકશાન બાદ લોકો પાસે દિવાળી ઉજવવાના પૈસા પણ નથી. બધું વિનાશક પૂરમાં ખલાસ થઈ ગયું છે. હાથમાં પ્લેકાર્ડ લઈને તંત્ર વિરુદ્ધ સૂત્રોચાર કરી પૂર પીડીતોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. ગરીબોને ન્યાય આપવા, પૂર અસરગ્રસ્તોને અન્યાય નહીં કરવા અને સહાયના નામે ભ્રષ્ટાચાર બંધ કરવાની માંગણી કરી હતી. કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ જણાવ્યુ હતું કે, શહેરમાં હજી 40%થી વધુ લોકોને રાહત મળી નથી. સરકારી તંત્રએ વાયદો કર્યો હતો કે, 10 દિવસમાં તમામને રાહત મળી જશે. પરંતુ આજે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. લોકો રાહત માટે આજીજીઓ કરી રહ્યા છે.
ગરીબોનો અવાજ તંત્ર સુધી પહોંચાડવા દેખાવો યોજવામાં આવ્યા છે. જો તાત્કાલિક સહાય નહીં મળે તો વડાપ્રધાન સુધી રજૂઆત કરવામાં આવશે. પ્રતાપનગર વિસ્તારની ભારત વાડી, યમુના મિલ ચાલી, કુંભારવાડા, ગાજરાવાડી, નવાપુરા વગેરે વિસ્તારમાં રહેતા ગરીબોનું પૂરમાં બધું ખલાસ થઈ ગયું છે. જોકે, હજુ પૂરના સર્વે થયા નથી. ગઈકાલે કોર્પોરેશનમાં મેયરે બોલાવેલી બેઠકમાં ભાજપના કોર્પોરેટરોએ સહાય આપવાની માંગ કરી હતી, એ જ બતાવે છે કે, લોકો હજી સહાયથી વંચિત છે. તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આર્થિક સહાયના નામે ગુજરાત સરકાર દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારના લોકોને લોલીપોપ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એટલું જ અંહી નહીં, રહીશોએ વેદના વ્યક્ત કરી હતી કે, જરૂરિયતમંદોને આર્થિક સહાય તાત્કાલીક મળે તે અત્યંત જરૂરી બન્યું છે.