Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભર ચોમાસે ચાંદોદમાં નર્મદા નદીના પાણીનો પ્રવાહ ઘટ્યો, શ્રદ્ધાળુ અને નાવિકોને હાલાકી...

હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

X

વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે ચોમાસાના પ્રારંભે જ નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ ઘટી જતા અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન અને પૂજન-અર્ચન માટે મોટો પ્રશ્ન ઉભો થયો છે. આ સાથે જ હોડીઓ પણ પાણીનો પ્રવાહ ઘટી જતા રેતીના બેટમાં ફસાઈ જતાં નાવિક ચાલકો બેરોજગાર બનતા મૂંઝવણમાં મુકાયા છે.

હાલમાં ચોમાસાના પ્રારંભ સાથે ચારેકોર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પણ ભૂતકાળમાં ચોમાસાના પ્રારંભે નર્મદા નદીમાં સરદાર સરોવરમાંથી પાણી છોડાતા તેમજ ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નર્મદા નદીના પ્રવાહમાં વ્યાપક આવકના પરિણામે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે. જોકે, ચાલુ સાલે ઉનાળામાં પણ નર્મદા નદીમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી હતી. પરંતુ ચોમાસાના પ્રારંભે જ સરદાર સરોવરમાંથી છોડવામાં આવતા પાણી પર બ્રેક લાગી જતા હાલ ચાંદોદ ખાતે નર્મદા નદી સર્પાકારે વહેતી જોવા મળી છે.

ચાંદોદ ખાતે નર્મદા નદીનો પ્રવાહ ઘટી જતા નર્મદા નદી બેટમાં ફેરવાઈ ગઈ છે. ઓછા પાણી થવાથી શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન સહિત પૂજા-અર્ચના માટેનો પણ પ્રશ્ન ઉભો થયો છે, જ્યારે એકાએક પાણીનો પ્રવાહ ઘટી જવાથી સ્થાનિક નાવિક ચાલકોની 40 જેટલી હોડીઓ પણ રેતીના બેટમાં ફસાઈ પડી છે. જો ડેમ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે અથવા ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થાય, ત્યારે જ રેતીના બેટમાં ફસાયેલી હોડીઓ નદીમાં પુનઃ તરતી થઈ શકે તેમ છે, ત્યારે બેરોજગાર બનેલા નાવડી ચાલકો ડેમમાંથી પૂરતું પાણી છોડવામાં આવે અથવા તો વરસાદી પાણીની આવક થાય તેવી આશા સાથે મીટ માંડીને બેઠા છે.

Next Story