Connect Gujarat
વડોદરા 

વડોદરા : જગમશહૂર બરોડા મ્યુઝિયમમાં ટિકિટના દર રૂ. 10થી વધારી રૂ. 100 યથાવત, સહેલાણીઓમાં નારાજગી…

વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ

X

વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત ગુજરાતના સૌથી મોટા બરોડા મ્યુઝિયમમાં કોરોના કાળ દરમ્યાન લોકોની ભીડ ઘટાડવા ટિકિટનો દર 10 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરાયો હતો. જોકે, હાલના સમયે કોરોના નહિવત થતાં ટિકિટનો દર ઓછો નહીં કરાતાં લોકોમાં નારાજગી જોવા મળી છે.

વડોદરા શહેરના જગમશહૂર મ્યુઝિયમનું નામ સાંભળતા જ દિલમાં એક આદરની લાગણી પેદા થાય છે. આપણા ઇતિહાસ ઉપરાંત વિશ્વભરની બેનમૂન ચીજવસ્તુઓની ધરોહરને એક સદી કરતા પણ વધુ સમયથી સાચવીને રાખનાર જગ્યા એટલે બરોડા મ્યુઝિયમ. બરોડા મ્યુઝિયમની સ્થાપના 1 જૂન 1894ના રોજ કરાઈ હતી, ત્યારે આજે આ મ્યુઝિયમની સ્થાપનાને બરાબર 128 વર્ષ થયા છે. કોરોના પહેલાં અહીં પ્રવેશ માટે 10 રૂપિયાની ટિકિટ હતી, ત્યારે વર્ષે સરેરાશ 3 લાખ મુલાકાતી આવતા હતા.

કોરોનામાં ભીડને ટાળવા ટિકિટનો દર રૂ. 100 કરી દેવાતા મહિને માંડ 5 હજાર લોકો આવતા હતા. જોકે, હવે કોરોનાની ત્રણ લહેરો પસાર થઈ જવા છતાં ટિકિટનો દર રૂ. 100 યથાવત રખાતા મ્યુઝિયમ જોવા આવતા લોકોએ નિરાશ થઈને પાછા જવું પડે છે. જેથી અનેક લોકો આ જ્ઞાનના ભંડારનો લાભ લેવાથી વંચિત થઇ રહ્યા છે, ત્યારે હાલ તો સહેલાણીઓ દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બરોડા મ્યુઝિયમમાં જે સંગ્રહ છે તે લોકો, વિદ્યાર્થીઓ અને યુવકો તેમજ રિસર્ચર્સ માટે તેમના જ્ઞાનમાં વધારો કરવાનું માધ્યમ છે. એટલે કે, આ હરવા-ફરવાના સ્થળ કરતા લોકોના જ્ઞાન અને સાંસ્કૃતિક વારસાને જાણવાનું માધ્યમ છે, ત્યારે કોરોનામાં લોકડાઉન બાદ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી તા. 1 નવેમ્બર 2021થી ફરી લોકોને નિહાળવા માટે શરૂ કરવામાં આવી હતી. કોરોનાની સ્થિતિને કારણે રાજ્ય સરકાર દ્વારા આ મ્યુઝિયમની ટિકિટ પ્રતિવ્યક્તિ 100 રૂપિયા કરવામાં આવી હતી. અમે ટિકિટનો દર ઘટાડવા પ્રપોઝલ ગાંધીનગર મોકલ્યું છે. હવે ટિકિટનો દર 20 રૂપિયા આસપાસ કરવામાં આવી શકે છે. જેવી સરકારની મંજૂરી આવતા જ એટલે ટિકિટનો દર ઘટાડી દેવામાં આવશે તેવું ક્યુરેટરે જણાવ્યુ હતું.

Next Story