/connect-gujarat/media/post_banners/1e9960f48e021403b934e63ea3a53ba3e208e5f1d4124ff5192ade9511b32a0c.webp)
વડોદરા શહેર તથા જિલ્લામાં ડમ્પરની અડફેટે અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી, ત્યારે જીવલેણ ડમ્પરે આર્મી જવાનને કચડી નાંખતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આર્મી જવાને હેલ્મેટ પહેર્યું હતું. તો પણ હેલ્મેટ આર્મી જવાનનો જીવ ન બચાવી શક્યું.
તાજેતરમાં જ વડોદરા શહેરમાં ડમ્પરની અડફેટે ગોત્રી પોલીસ સ્ટેશનમાંમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે આર્મી જવાનનું કમકમાટીભર્યું મોત નિપજવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે શહેર તથા જિલ્લામાં બેફામ ગતીએ ફરી રહેલા ડમ્પરો પર કાબુ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનું ફલિત થઇ રહ્યું છે. શહેરમાં બેફામ બની ફરી રહેલા ડમ્પરો અત્યાર સુધી અનેક લોકોને કાળનો કોળીયો બનાવી ચુંક્યાં છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓ ન બને તે માટે અનેક ઝૂંબેશ હાથ ધરી પરંતુ તેનુ કોઇ નક્કર પરિણામ આવતુ ન હોવાથી ડમ્પર ચાલકો હજી લોકોને ભરખી રહ્યાં છે.
ગત તા. 14 એપ્રિલના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલાભાને એક ડમ્પર ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જોકે, આ ઘટના શહેરની હદમાં બની ન હોવાથી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો હતો. પરંતુ આ કરૂણ ઘટના બાદ શહેર પોલીસ ટ્રાફિક વિભાગ તુરંત હરકતમાં આવી હતી. જોકે, ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો હોવાનો કિસ્સો આજે સામે આવ્યો છે.
જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ નજીક બપોરના દોઢ વાગ્યાની આસપાસ MESમાંથી આર્મી કેમ્ટીનમાં જમવા માટે પોતાના ટુ-વ્હિલર પર જઇ રહેલા અમિતકુમાર સિંગ હેલ્મેટર પહેરી સ્પંદન સર્કલથી મકરપુરા પોલીસ સ્ટેશન તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન કાળ બની આવેલા મહાકાય ડમ્પરે આર્મી જવાન અમિતકુમારને MES સામે જ અડફેટે લઇ કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ડમ્પર ચાલકે એટલી બેદરાકરીપૂર્વક પોતાનુ મહાકાય વાહન હંકાર્યુ કે આર્મી જવાને માથે પહેરેલુ હેમ્લેટ પણ તેમનો જીવ ન બચાવી શક્યું. બનાવને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદરીઓ અને આસપાસમાં રહેતા લોકો તાત્કાલીક દોડી આવ્યાં હતા, અને સ્થળ પર લોહીમાં લથબથ આર્મી જવાનને જોઇ લોકો ફફડી ઉઠ્યાં હતા. ઘટનાની જાણ માંજલપુર પોલીસને થતાં સબ ઇન્સપેક્ટર નીનામા સહિતનો સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોંચી કાનુની કાર્યવાહી હાથ ધરી હતી.