વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત લાલબાગ તળાવ વર્ષોથી સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન સાબિત થયું છે અહીં તળાવ વારંવાર ઓવરફ્લો થતા સોસાયટીના રહીશોને અનાજ કરિયાણાના ફર્નિચર સહિત લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે પરંતુ કોર્પોરેશનના તંત્રનો પેટનું પાણી હાલતું નથી..
વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 13માં આવેલ રાજ મહેલ રોડ સ્થિત લાલબાગ તળાવ વર્ષોથી ચોમાસામાં ઓવરફ્લો થતા આજુબાજુમાં આવેલ સોસાયટીઓમાં લોકોના ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા ઘરવખરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચતું હોય છે. સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર વાળુ સૂર્યની વારંવારની રજૂઆત બાદ પણ કોર્પોરેશનના તંત્રનો પેટનું પાણી હલતું નથી, ત્યારે બીજી તરફ લાલબાગનું પાણી મસીયા કાસ દ્વારા કુબેર સાગર તળાવમાં મોકલવામાં આવતું હોય છે. જે તળાવનો હાલમાં બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું અને તે સમયે મસીયા કાસ બંધ કરી દેવામાં આવતા છેલ્લા છ મહિનાથી રહીશો અસહ્ય દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા, આજે કોર્પોરેશન દ્વારા કાસને ખુલ્લી કરવામાં આવતા પાણીના વહેણ કુબેર સાગર તળાવમાં વહેતા થયા હતા. જોકે આ પાણી અસહ્ય દુર્ગંધ પણ વાળું અને કેમિકલ યુક્ત હોય આસપાસના લોકોને અથવા તો મોર્નિંગ વોક પર નીકળેલા લોકોને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય તેમ છે ત્યારે સત્વરે લાલબાગ તળાવની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કોંગ્રેસના કાઉન્સિલરે કરી હતી. તો સમગ્ર સમસ્યાના મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું હતું કે હાલમાં આ કાસને સાફ કરી તેનું જોડાણ કરવામાં આવનાર છે અને જે કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે ત્યાર બાદ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે.