Connect Gujarat
વડોદરા 

વડોદરા : દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ 'સી' ટીમની અનોખી પહેલ

પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ કમિશનરે કમર કસી હતી

X

પોતાના ઘરનું ગુજરાન ચલાવવા દારૂના વ્યવસાય તરફ વળેલી મહિલાઓના પુનર્વસન માટે પોલીસ કમિશનરે કમર કસી હતી. જેમા દિવ્યાંગ મહિલા બુટલેગરને તમામ પ્રકારની મદદ બાદ કોર્પોરેશન દ્વારા સહયોગ નહીં અપાતાં મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી મદદ કરવા માંગ કરી હતી.

લોકોને મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય છે કે, પોલીસ માત્ર ગુનેગારને પકડવામાં વ્યસ્ત રહે છે અથવા તો હપ્તા લેતી હોવાના પણ આક્ષેપ થતા રહે છે. પરંતુ વડોદરા શહેર પોલીસ કમિશનર અને 'સી' ટીમના ડીવાયએસપીએ જાણે પોલીસની છબી જ બદલી નાખી હોય તેવા કાર્યો હાથ ધરાતા શહેરીજનોમાં પોલીસ તંત્રની વાહ વાહી થઈ રહી છે. પોલીસ કમિશનરની સૂચના બાદ મહિલા બુટલેગરોને ઓળખી તેમને દારૂના ધંધામાંથી અન્ય ધંધા તરફ વાળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મહદંશે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ રહી છે, તેમાં પણ પોલીસની 'સી' ટીમે મહત્વનો ભાગ ભજવ્યો હતો.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ શોભા ગોરખા વર્ષોથી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેમના પરિવારમાં માત્ર એ પોતે અને 2 દીકરીઓની જવાબદારી હોય જેથી દારૂનો વ્યવસાય છોડવા તૈયાર ન હતા. પરંતુ પોલીસની સમજાવટ બાદ શોભા ગોરખા વ્યવસાય છોડવા તૈયાર થયા હતા. જેમાં પોલીસની 'સી' ટીમના ડીવાયએસપી રાધિકા ભારાઈએ શોભા ગોરખાને વિવિધ સંસ્થાની મદદથી ઘર ચલાવવા માટે ઘરવખરીનો સામાન, બન્ને દીકરીઓને ભણાવવા માટે ફીની વ્યવસ્થા તદુપરાંત ફાસ્ટ ફૂડના ધંધા માટે લારીની પણ વ્યવસ્થા કરી આપી હતી.

હાલ, શોભા ગોરખાએ પોલીસની મદદથી ફતેગંજ વિસ્તારમાં ફાસ્ટ ફૂડની લારી શરૂ કરી નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. જેમાં કોર્પોરેશનના વોર્ડ નંબર 3ના અધિકારીઓ દ્વારા લાયસન્સ વગર ચાલતી લારી બંધ કરવાની સૂચના આપી હતી. જેને લઇ મહિલાનું મનોબળ ભાગી ગયું હતું. પરંતુ પોલીસની 'સી' ટીમના ડીવાયએસપી રાધિકા ભરાઈએ સમગ્ર પ્રકરણ બાબતે શોભા ગોરખાને સાથે રાખી પીએસઆઇ જયશ્રી વૈધને કોર્પોરેશનમાં મોકલી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાથે ચર્ચા કરી સમગ્ર વિષયની માહિતી આપી હતી. જેથી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક શોભા ગોરખાને ફતેગંજ વિસ્તારમાં વ્યવસાય શરૂ કરવા માટે જગ્યાની ફાળવણી કરવાની અધિકારીઓને સૂચના આપી હતી.

Next Story