વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સરપંચે ઉગ્ર રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે. આમ પદાધિકારી દ્વારા અધિકારી સામે પ્રશ્ન ઉભો કરતા ભારે સનસનાટી મચી છે.
વડોદરા જિલ્લાના સાવલીનું છેવડાનું ગામ તુલસીપુરા છે. આ પંચાયતમાં સમાવિષ્ટ નરભાપુરા, રાણેલા, ભગાના મુવાડા, તુલસીપુરા આમ 4 પેટાપરા મળીને તુલસીપુરા પંચાયત બનેલી છે. ગામના સરપંચ મહેશ તલાવિયાના લેખિત આક્ષેપ પ્રમાણે તુલસીપુરા ગામમાં તુલસીપુરા પ્રા. શાળા આવેલ છે. તેમજ રાણેલા ગામમાં રાણેલા પ્રા.શાળા આવેલ છે. પરંતુ વર્ષ 2004માં આ બંને પ્રાથમિક શાળાનું નામ બદલવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્થળની ચકાસણી કર્યા વગર ઓર્ડર કર્યો હતો. જેમાં રાણેલા પ્રાથમિક શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રા. શાળા-1 કરવામાં આવ્યું હતું, જ્યારે તુલસીપુરા પ્રા. શાળાનું નામ બદલી તુલસીપુરા પ્રા.શાળા-2 કરવામાં આવ્યું હતું.
જેનો હાલમાં ગામ પંચાયત કાયદેસરનો ઠરાવ કરી અને તુલસીપુરા પ્રા. શાળાના તમામ 1997ના ઓર્ડરો સાથે કાયદેસરનું નામ કરવા ઠરાવ કરવામાં આવ્યો છે. જે ઠરાવ તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી સાવલીને આપવામાં આવ્યો છે. પરંતુ આ બાબતે કોઈ નક્કર પરિણામ ન આવતા ગામના સરપંચે જ પોતાના તાબાના ગામોની શાળાના નામો અને વિકાસની ગ્રાન્ટો પ્રત્યે પ્રશ્ન ઉભો કરતા સનસનાટી મચી છે, ત્યારે તમામ ગ્રામજનો વડોદરા શહેર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ધરણાં પર બેઠા હતા. આ સાથે જ જ્યાં સુધી ગ્રામજનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.