અકસ્માતથી પરિવારમાં છવાયો માતમ
એક તરફ દીકરી જન્મની ખુશી હતી
બીજી તરફ મોટી દીકરી અકસ્માતમાં મોતને ભેટી
આઇસર ટેમ્પો ચાલકે બાઇકને લીધી અડફેટે
પિતા સાથે બાઈક પર હોસ્પિટલ જતા સર્જાઈ ઘટના
વડોદરાના પ્રતાપનગરમાં આઈસર ટેમ્પાએ એક બાઈકને અડફેટે લેતા બાળકીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વિધિની વક્રતા એ હતી કે પરિવારમાં એક તરફ દીકરીના જન્મની ખુશી હતી તો બીજી તરફ મોટી દીકરી મોતને ભેટી હતી.
વડોદરામાં બુધવારે મોડી સાંજે માંડવી તરફથી એક અંદાજે 9 વર્ષની દિપ્તી રાવલ પિતા સાથે બાઈક પર પ્રતાપ નગર તરફ આવી રહી હતી. વિહાર ટોકીઝ પાસે એક આઈસર ટેમ્પાએ બાઈકને અડફેટે લેતા બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પિતાને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.વાડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બાળકીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલમાં પોલીસે આઈસર ચાલકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પરિવારના ઘરે દીકરીનો જન્મ થયો હતો. હોસ્પિટલમાં નવજાત દીકરીને મળવા જતા સમયે મોટી દીકરી કાળનો કોળિયો બની જતા પરિવારમાં ખુશીની જગ્યાએ માતમ છવાઈ ગયો હતો.