-
ગાઢવી ગામે લોકશાહીને શરમાવે તેવી ઘટના
-
ભાજપ કાર્યકરની દાદાગીરીથી સ્થાનિકો પરેશાન
-
ચૂંટણીમાં મત ન આપવા બદલ પાણી કર્યું બંધ
-
ગ્રામજનો પાણી માટે તરસતા કરી દીધા
-
ગ્રામનોમાં ઉઠેલી ફરિયાદો બાદ પણ તંત્રનું મૌન
વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના ગાઢવી ગામે લોકશાહીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસતા કરી દીધા છે.
વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના ગાઢવી ગામના તાંબડમાળ ફળિયામાં વર્ષો પહેલાં સરકારી ખર્ચે એક હેન્ડપંપ બનાવવામાં આવ્યો હતો. આ હેન્ડપંપ ગામના ભાજપ કાર્યકર અને મધ્યાહન ભોજન યોજનાના સંચાલક અમરેશ તુલજી બુધલની ખાનગી જમીનમાં આવેલો છે. સ્થાનિક રહીશોના આક્ષેપ અનુસાર, ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાંથી ઓછા મત મળતા, અમરેશે રાજકીય અદાવત રાખીને 17 મેથી આખા ફળિયા માટે પાણીના દ્વાર બંધ કરી દીધા છે. તેણે ગ્રામજનો સાથે માથાકૂટ કરતા કહ્યું કે, અમને મત ઓછા આપ્યા છે, સરકારી બોર ભલે રહ્યો પણ જમીન મારી છે, અહીંથી કોઈને પાણી નહીં મળે.
આ હેન્ડપંપ ફળિયાના 35 પરિવારો એટલે કે 200થી વધુ લોકો માટે જીવનદોરી સમાન હતો, જે હવે બંધ કરી દેવાયો છે. પાણી બંધ થતાં ફળિયાની મહિલાઓ અને માસૂમ દીકરીઓને ભરબપોરે 40 ડિગ્રી તાપમાન 800 મીટર દૂર સુધી ભટકવું પડે છે. પીવાનું પાણી લાવવા માટે નાની દીકરીઓએ ભણવાની ઉંમરે જંગલના પથરાળ, ઉબડ-ખાબડ અને કાંટાળા રસ્તાઓ પર માથા પર બે-બે બેડાં ઉપાડીને ડુંગરા ખૂંદવા પડે છે.હાલ તંત્રની નિષ્ફળતા છતી સામે તરસ્યા પરિવારો ન્યાયની આશામાં બેઠા છે.
