વલસાડના પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં માસના પહેલા દિવસથી જ ભક્તિમય વાતાવરણમાં ૨૪ કલાક ૐ નમઃ શિવાય અખંડ ધૂન સાથે થઈ રહી છે.

આ ઉજવણી અંતર્ગત શ્રાવણ માસના બીજા સોમવારે છોટે મોરારી બાપુ અને શિવજી મહારાજ સહિત વિવિધ સંતો અને બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં ખુબજ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. પ્રગટેશ્વર સેવા સમિતિ મહિલા મંડળના દર્શના (ગુડ્ડી)ના માર્ગદર્શન હેઠળ શિવ પરિવારની બાલિકાઓએ સુંદર વેશભૂષાથી સુશોભિત બની મનમોહક રાસ રજૂ કર્યો હતો. આ રાસને નિહાળી સૌ મંત્રમુગ્ધ બન્યા હતા અને રોકડ ઇનામો આપ્યા હતા. પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાના સંદર્ભમાં ભૂદેવો અને શિવભક્તોને ચારધામ મહાત્મ્ય પુસ્તિકાનું વિતરણ કરાયું હતું. આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદા તેમજ છોટે મોરારીબાપુના હસ્તે વિધવા મહિલાઓને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું હતું. અહીં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ૨૪ કલાક ૐ નમઃ શિવાયની અખંડ ધૂન ચાલુ રહે છે, જેમાં સમગ્ર શિવ પરિવારના શિવભક્તો ઉમંગભેર ભાગ લઈ ભગવાન શિવના આશીર્વાદ મેળવે છે, આ ધૂનમાં સહભાગી બનવા પ્રગટેશ્વર સેવા સમિતિનો સંપર્ક સાધવાનો રહેશે. આ શુભ અવસરે આયોજિત એક કુંડી લઘુરુદ્રયજ્ઞની વિધિ પ્રગટેશ્વર ધામના ગોર મહારાજ કશ્યપ જાની સહિત ચિંતન જોષી અને માનવ મહેતાએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાવી હતી.