રાજયના નાણાં મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ખાતે સરકારની મનરેગા યોજના દ્વારા રૂા. ૧૪ લાખના ખર્ચે તૈયાર થનારા ગ્રામ પંચાયત ભવનનું ખાતમુર્હૂત કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, આ ગામના ગંગાજીના પવિત્ર ધામના લીધે ગામના અને ગામ બહારના લોકો પ્રવાસે આવતા હોય એ સંજોગોમાં ગામના વિકાસની જરૂરિયાત હતી.

જેને ધ્‍યાને લઇ આજે મનરેગાની યોજના દ્વારા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવી રહયું છે. આ ગ્રામપંચાયત ભવન ૧૦૩૩ ચો.ફૂટમાં નિર્માણ થશે. આ ભવનમાં સરપંચનો રૂમ, તલાટીનો રૂમ, મીટીંગ હોલ, બેઠક રૂમ તેમજ બાથરૂમ, ટોઇલેટની સુવિધાવાળું રહેશે.

આ ગામના રેમન્‍ડ કંપનીથી ગામમાં પ્રવેશનો રસ્‍તાનું રૂ. ૧ કરોડનો વાઇડનીંગ રોડ, કોસ્‍ટલ હાઇવેને જોડતો રસ્‍તો રૂ. ૧ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત ગામને ગેસ આધારિત સ્‍મશાનભૂમિના નિમાર્ણ માટે રૂ. ૧ કરોડ મંજૂર કરવામાં આવ્‍યા છે. આ કાર્યક્રમમાં પલસાણા ગામના સરપંચ રાધિકા પટેલ, ઉપસરપંચ કમલેશ દેસાઇ, વલસાડ જિલ્લા પંચાયતના ઉમરસાડી બેઠકના સભ્‍ય દિવ્‍યા પટેલ અને અગ્રણીઓ સર્વ મહેશ દેસાઇ અને હર્ષદ દેસાઇ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.