શાકભાજી મોંઘા અને ફ્રૂટ થયા સસ્તા
શાકભાજીના ભાવોએ રસોડાનું બજેટ બગાડ્યું
કાંદા અને સફરજન હવે એક જ ભાવે, રૂ. 80 પ્રતિ કિલો
વટાણા, આદુ, પાપડી, ગુવાર અને તુવેરના ભાવોમાં ભડકો
શાકભાજીની આવક ઘટવાથી ભાવો ઊંચકાયા
સુરતમાં બદલાતી ઋતુ સાથે શાકભાજી અને ફળના ભાવમાં વધારો નોંધાયો છે,જેમાં કાંદા અને સફરજનના ભાવ સરખા એટલે કે રૂપિયા 80 કિલોના ભાવે વેચાઇ રહ્યા છે.
સુરતના રસોડામાંથી શાકભાજીનો સ્વાદ જાણે ફીકો પડી રહ્યો છે કારણ કે બજારમાં શાકભાજીના ભાવો સાતમા આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં જે શાકભાજી સસ્તી મળતી હતી તે હવે સોનાના ભાવે વેચાઈ રહી છે. સુરતના શાકભાજી બજારમાં બદલાતી ઋતુની સીધી અસર જોવા મળી રહી છે, જેના કારણે માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે.
બજારમાં ડુંગળી, આદુ તેમજ શિયાળાની સિઝનનાં શાકભાજી જેવા કે વટાણા, પાપડી, ગુવાર અને તુવેરસિંગ સહિતના તમામ રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં ભારે વધારો ઝીંકાયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે શાકભાજીના ભાવો ફ્રૂટ કરતા પણ વધી ગયા છે, એટલે કે હવે શાકભાજી કરતાં ફ્રૂટ વધુ સસ્તા સાબિત થઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે બજારમાં કાંદાના ભાવ પ્રતિ કિલો 80 રૂપિયા છે, તો સામે પૌષ્ટિક ગણાતા સફરજન પણ બરાબર 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જ વેચાઈ રહ્યા છે!
હાલમાં બદલાતી ઋતુ અને વાતાવરણના બદલાવને કારણે ખેતરોમાંથી શાકભાજીની આવક ઘટી છે, જેના લીધે ગૃહિણીઓનું મહિનાનું બજેટ સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું છે. જો કે, રાહતના સમાચાર એ છે કે આ અસ્થાયી મોંઘવારી લાંબો સમય નહીં ટકે. વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી એક મહિનામાં તમામ વસ્તુઓના ભાવ સ્થિર થઈ જશે અને ખાસ કરીને દિવાળીના તહેવાર બાદ શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી પ્રબળ શક્યતા છે.
