• દહેજ-આમોદ વચ્ચે ચાલતી ફોરલેન રોડ અને બ્રિજની કામગીરી

  • કામગીરીના કારણે બ્રિજ નીચેથી પસાર થતી લાઈનમાં ભંગાણ

  • પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા ભરઉનાળામાં સંકટ

  • આસપાસના લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો

  • લોકોએ બ્રિજનું કામ અટકાવી આંદોલન કરતાં તંત્રમાં દોડધામ

ભરૂચ જિલ્લાના દહેજ-આમોદ વચ્ચે ચાલતી ફોરલેન રોડ અને બ્રિજની કામગીરીના કારણે બ્રિજ નીચેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા ભરઉનાળે આસપાસના ગ્રામજનોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લાના દહેજ-આમોદ વચ્ચે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા ફોરલેન રોડ અને બ્રિજ પ્રોજેક્ટે વિકાસના મોટા દાવા તો કર્યાપરંતુ આ કામગીરીના કારણે આછોદ ગામના આશરે 10 હજાર લોકો માટે હવે પીવાનું પાણી સૌથી મોટો સંકટ બની ગયું છે. બ્રિજની નીચેથી પસાર થતી મુખ્ય પાણી લાઈન છેલ્લા 3 મહિનાથી વારંવાર ફૂટતા ગામમાં પાણી માટે હાહાકાર મચ્યો છે.

ભરઉનાળામાં ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડે છે. જેના કારણે આક્રોશિત લોકોએ સીધા કન્સ્ટ્રક્શન સાઇટ પર પહોંચી બ્રિજનું કામ અટકાવી તંત્ર સામે બગાવતનો શંખ ફૂંક્યો હતો. ઘટનાને પગલે તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કેબ્રિજના બાંધકામ દરમિયાન ભારે મશીનરી અને સતત દબાણના કારણે પાણીની લાઈન સતત લીકેજ થઈ રહી છે. છતાં માર્ગ-મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ વચ્ચેના સંકલનના અભાવે સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે.