દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં એક ઘરમાં હથિયારબંધ હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કરીને ગર્ભવતી મહિલા સહિત 11 લોકોની હત્યા કરી નાખી હતી.
દક્ષિણ આફ્રિકાના પૂર્વીય બંદર શહેર ડરબનમાંથી એક ભયાનક અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ડરબનના એક ટાઉનશિપમાં આવેલા ઘરમાં હથિયારબંધ હુમલાખોરોએ ગોળીબાર કરીને 11 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી, જ્યારે અન્ય 3 લોકો જીવ બચાવવામાં સફળ રહ્યા.
આ દુઃખદ ઘટના ડરબનની દક્ષિણે આવેલા ‘ક્વામાખુથા’ ટાઉનશિપના એક ઘરમાં બની હતી. ગત મંગળવારે રાત્રે 11 વાગ્યા પહેલાં જ્યારે લોકોનું એક જૂથ તે ઘરમાં એકત્રિત થયું હતું, ત્યારે આ ઘટના બની હતી. અચાનક હથિયારબંધ હુમલાખોરોએ પરિસરમાં ઘૂસીને આડેધડ અને ઝડપી ગોળીબાર શરૂ કરી દીધો. આ મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, હુમલાખોરોએ એક કારને પણ સળગાવી દીધી હતી.
સમગ્ર મામલે કાર્યકારી પોલીસ કમિશનર પુલેંગ ડિમ્પાને ગુનેગારોને પકડવા માટે 72 કલાકનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે. પોલીસે જણાવ્યું છે કે, તેમને નક્કર કડીઓ મળી છે, અને આ માહિતીના આધારે તેઓ હુમલાખોરોની સઘન શોધખોળ કરી રહ્યા છે.
