ભારતીય કોસ્ટ ગાર્ડે નશીલા પદાર્થોની દાણચોરીના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ ઓપરેશન લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં આવેલા દરિયાઈ માર્ગ પર ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન દરમિયાન અંદાજે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાના નશીલા પદાર્થો – ખાસ કરીને હેરોઈન અને મેથામ્ફેટામાઈન – જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પાંચ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

526 કિલોગ્રામ હેરોઈન જપ્ત

સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, ભારતીય કોસ્ટ ગાર્ડના ચીફ પબ્લિક રિલેશન્સ ઓફિસરે જણાવ્યું હતું કે, “ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) સાથે મળીને લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, “વિશ્વસનીય બાતમીના આધારે, ભારતીય કોસ્ટ ગાર્ડે હવાઈ અને દરિયાઈ માર્ગે સઘન દેખરેખ રાખી હતી. 25 સપ્ટેમ્બર, 2026ના રોજ, લાંબા પીછો કર્યા બાદ તેમણે એક શંકાસ્પદ ઈરાની બોટ (ધૌ)ને અટકાવી હતી અને તેના પર સવાર થયા હતા.”

આ સંયુક્ત દરિયાઈ ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય બજારમાં ₹3,000 કરોડથી વધુની કિંમત ધરાવતા અંદાજે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાના નશીલા પદાર્થો (હેરોઈન અને મેથામ્ફેટામાઈન) જપ્ત કર્યા હતા.

પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

ભારતીય કોસ્ટ ગાર્ડે માત્ર નશીલા પદાર્થો જ જપ્ત કર્યા નથી, પરંતુ બોટ ચલાવી રહેલા પાંચ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે. અટકાવવામાં આવેલી બોટ, તેના ક્રૂ મેમ્બર્સ અને જપ્ત કરાયેલા પ્રતિબંધિત માલને સઘન સશસ્ત્ર સુરક્ષા હેઠળ મુંબઈ લાવવામાં આવ્યા છે. આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી માટે વિવિધ એજન્સીઓ સંયુક્ત પૂછપરછ હાથ ધરશે.