/connect-gujarat/media/media_files/2025/03/29/X5tXkdjszynlnPNb9CeQ.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમારમાં લશ્કરી નેતૃત્વ હેઠળની સરકારના વડા મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી અને કહ્યું કે ભારત ત્યાં આવેલા પ્રચંડ ભૂકંપથી થયેલા વિનાશનો સામનો કરવામાં દેશની સાથે એકતામાં ઉભું છે. પીએમ મોદીએ X પર કહ્યું કે તેમણે મ્યાનમારના મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી.
પીએમ મોદીએ વિનાશક ભૂકંપમાં લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે, ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે એકતામાં ઉભું છે. તેમણે કહ્યું કે ભારત 'ઓપરેશન બ્રહ્મા' હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો મોકલી રહ્યું છે. આ કામગીરી હેઠળ મ્યાનમારમાં પંદર ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે 80 સભ્યોની NDRFHQ ટીમ નાય પ્યી તાવ જવા રવાના થઈ ગઈ છે. તેઓ મ્યાનમારમાં બચાવ કામગીરીમાં મદદ કરશે.
ઓપરેશન બ્રહ્મા હેઠળ, ભારત તરફથી 15 ટન રાહત સામગ્રી યાંગોન પહોંચી ચૂકી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ઓપરેશન બ્રહ્મા શરૂ થઈ ગયું છે. ભારત તરફથી માનવતાવાદી સહાયનો પહેલો જથ્થો મ્યાનમારના યાંગોન એરપોર્ટ પર પહોંચી ગયો છે.
મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 1 હજારથી વધુ થઈ ગયો છે. જેમ જેમ બચાવ કામગીરી ચાલી રહી છે, તેમ તેમ મૃતકોની સંખ્યા વધી રહી છે. ભૂકંપમાં ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે.
શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપથી પ્રભાવિત મ્યાનમારના લોકોને મદદ કરવા માટે ભારત પહેલો દેશ હતો, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું. શુક્રવારના મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં ઇમારતો, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓનો નાશ થયો હતો.