જાપાનના વિદેશ મંત્રી યોશિમાસા હયાશી બુધવારથી ભારતમાં શરૂ થઈ રહેલી G20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે નહીં. જાપાનની સંસદમાં બજેટ પર ચર્ચા થવાની છે અને માનવામાં આવે છે કે આ જ કારણસર જાપાનના વિદેશ મંત્રીએ જી-20 બેઠક માટે તેમની ભારતની મુલાકાત રદ કરી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે જાપાનના વિદેશ મંત્રી શુક્રવારના રોજ યોજાનારી ચાર દેશોની બેઠકમાં ભાગ લેશે કે કેમ. જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાપાનના વિદેશ મંત્રીના સ્થાને એક નાયબ મંત્રી બેઠકમાં ભાગ લઈ શકે છે.
જાપાન સરકારના આ પગલાનો ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો છે. જાપાની મીડિયાનું કહેવું છે કે જ્યારે જાપાન ચીન સામે પોતાની સુરક્ષાને મજબૂત કરવામાં અને ભારત સાથે ભાગીદારી મજબૂત કરવામાં વ્યસ્ત છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આવા સમયે જાપાનના વિદેશ મંત્રી દ્વારા જી20 બેઠકમાં ભાગ ન લેવાથી જી20 દેશોને ખોટો સંદેશ જશે. જાપાનના ઘણા જનપ્રતિનિધિઓ અને ત્યાંના લોકો પણ માને છે કે વિદેશ મંત્રી ભારતમાં આયોજિત G20 બેઠકમાં ભાગ ન લઈને એક સારી તક ગુમાવી રહ્યા છે.