ભારતીય નાગરિકો હવે રશિયામાં તેમના બેંક ખાતા સરળતાથી ખોલી શકશે. રશિયામાં બેંક ખાતું ખોલાવવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે રશિયન સરકારે નિયમો હળવા કર્યા છે. રશિયન એમ્બેસીએ કહ્યું કે આ સુવિધા પ્રવાસીઓ અને શિક્ષણ માટે રશિયા આવતા ભારતીય વિદ્યાર્થીઓને ઘણી મદદરૂપ થશે. એકાઉન્ટ કેવી રીતે ખોલવું તે વાંચો. જાણો સંપૂર્ણ માહિતી.
ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. હવે ભારતીય નાગરિકો રશિયામાં તેમના બેંક ખાતા ખોલી શકશે. રશિયાની સરકારે દેશમાં બેંક ખાતા ખોલવા ઈચ્છતા ભારતીય નાગરિકો માટે નિયમો હળવા કર્યા છે. હકીકતમાં, આ વિષય પર અપડેટ આપતા, X પર રશિયન દૂતાવાસે કહ્યું કે, હવે ભારતીય નાગરિકો ભારતમાં રહીને રશિયન બેંકોમાં તેમના ખાતા ખોલી શકશે.
-ખાતું ખોલાવવાની પ્રક્રિયા શું છે..?
રશિયન દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકો ખાતું ખોલવા ઈચ્છે છે તેમણે ખાતું ખોલવા અંગે માર્ગદર્શન માટે રશિયન સેન્ટ્રલ બેંક સાથે ભાગીદારી ધરાવતી ભારતીય બેંકનો સંપર્ક કરવો જોઈએ. તેમજ રશિયન એમ્બેસીએ જણાવ્યું હતું કે, રશિયામાં આગમન પર, "ઝડપથી બેંક કાર્ડ મેળવવા" અને ભાગીદાર રશિયન બેંકમાં નાણાકીય વ્યવહારો શરૂ કરવાનું શક્ય બનશે. આ સુવિધા ભારતીય પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને અનુકૂળ રહેશે.
-ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે મોટી સંખ્યામાં રશિયા જાય છે...
તમને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ખાસ કરીને મેડિકલ અભ્યાસ માટે રશિયા જાય છે. ડેટા અનુસાર, રશિયા-યુક્રેન યુદ્ધના એક વર્ષ પહેલા 2021માં કુલ 15,814 ભારતીયોએ રશિયન કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો હતો.