Connect Gujarat
દુનિયા

વીજળી વિના પાકિસ્તાનીઓની ખરાબ હાલત, અંધારામાં મીણબત્તીઓ સળગાવીને કરે છે કામ..!

રોટલી માટેના સંઘર્ષ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાન પર વધુ એક નવી સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે

વીજળી વિના પાકિસ્તાનીઓની ખરાબ હાલત, અંધારામાં મીણબત્તીઓ સળગાવીને કરે છે કામ..!
X

રોટલી માટેના સંઘર્ષ વચ્ચે પાડોશી દેશ પાકિસ્તાન પર વધુ એક નવી સમસ્યા ઉભી થઈ છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે, જેના કારણે પાકિસ્તાનના મોટા શહેરોમાં ઈસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં પાવર ફેલ થઈ ગયો છે. ઉર્જા પ્રધાન ખુર્રમ દસ્તગીરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય ગ્રીડની દક્ષિણમાં મોટા વોલ્ટેજની વધઘટને કારણે કટોકટી સર્જાઈ હતી. બાદમાં વ્યાપક અસરને કારણે એક પછી એક વીજ ઉત્પાદન એકમો બંધ થઈ ગયા હતા. મોડી રાત સુધી વિજળી ન મળવાના કારણે લોકોને મીણબત્તીઓ અને ફાનસ સળગાવીને કામ કરવું પડ્યું હતું. ઘણા ઘરોમાં લોકો અંધારામાં રહેવા મજબૂર છે.

વડા પ્રધાન શહેબાઝ શરીફે ઘટનાના કારણની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. શરીફે ઉર્જા મંત્રી પાસેથી વીજ સંકટ અંગે તાત્કાલિક રિપોર્ટ માંગ્યો હતો. તેમણે પાવર ફેલ થવાના કારણો શોધવા અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરવા જણાવ્યું છે. દેશમાં વીજ કટોકટીથી હોસ્પિટલો, કારખાનાઓ, કાપડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રો પ્રભાવિત થયા છે. કાપડના વેપારીઓએ ફરિયાદ કરી હતી કે વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે તેઓએ સોમવારે તેમના કારખાનાઓ બંધ રાખવા પડ્યા હતા.

પાકિસ્તાન તેની ઓછામાં ઓછી 60 ટકા વીજળી અશ્મિભૂત ઇંધણથી મેળવે છે. 27 ટકા વીજળી હાઇડ્રોપાવર પર અને 10 ટકા ન્યુક્લિયર અને સોલર પાવર પર આધારિત છે. પાકિસ્તાનમાં વીજળીના અભાવે વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકો અંધારામાં ક્લાસરૂમમાં બેઠા જોવા મળ્યા.પાકિસ્તાનના ઘણા શહેરોમાં દુકાનદારો વીજળીની રાહ જોતા બેઠા જોવા મળ્યા. રિપોર્ટ અનુસાર ઉત્પાદન બંધ થવાના એક દિવસ માટે કાપડ ઉદ્યોગને 20 મિલિયન પાકિસ્તાની રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં પાવર સિસ્ટમની નિષ્ફળતા નવી વાત નથી. અહીં ગયા વર્ષે ઓક્ટોબરમાં કરાચી, હૈદરાબાદ, સુક્કુર, ક્વેટા, મુલતાન અને ફૈસલાબાદમાં પાવર ફેલ થઈ ગયો હતો. વીજળી વિના પાકિસ્તાનની અનેક ફેક્ટરીઓમાં નીરવ શાંતિ હતી. જ્યારે ઇસ્લામાબાદની એક હોસ્પિટલે તેનું ઓપરેશન થિયેટર બંધ કરવું પડ્યું હતું, ત્યારે કરાચીની એક હોસ્પિટલ બેકઅપ પર કામ કરી રહી હતી.

Next Story