/connect-gujarat/media/media_files/2025/07/01/gaza-2025-07-01-15-17-20.jpg)
ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ચર્ચાઓ વચ્ચે ગાઝા પર હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયલે સોમવારે જ ગાઝામાં સ્થિત કેફે, સ્કૂલ અને ભોજન વિતરણ સ્થળે હુમલો કરતાં આશરે 94 લોકો માર્યા ગયા હતાં.
યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના 1000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો 7 ઓક્ટોબર, 2023થી અત્યાર સુધીમાં હુમલામાં 56500 પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. ખાલિદ ખેરીએ જણાવ્યું હતું કે, ગાઝામાં પીડા અને ક્રૂરતાનું સ્તર અસહ્ય છે. પેલેસ્ટિનિયનને સામૂહિક ધોરણે મારવામાં આવી રહ્યા છે.
ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝા પર હુમલો કરતાં કુલ 95 લોકોના મોત થયા હતાં. જેમાંથી 39ના મોત તો એક કેફેમાં જ થયા હતાં. દરિયાકિનારે આવેલા અલ-બાકા કેફે નજીક હુમલો થતાં 30 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં. આ કેફેમાં ભોજન નહીં પણ મોબાઈલ ચાર્જ અને ઈન્ટરનેટ કનેક્શન મળી રહ્યું હતું. જ્યાં એક સ્થાનિક પત્રકાર ઈસ્માઈલ અબુ હતબ પણ માર્યા ગયા હતાં. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલના ફાઈટર જેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
ઈઝરાયલના સૈન્ય દળોએ કોઈપણ પ્રકારનું એલર્ટ આપ્યા વિના જ ગઈકાલે હુમલા કર્યા હતાં. તેમણે ટેન્ટમાં આશરો લઈ રહેલા શરણાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ટેન્ટમાં લાશોના ઢગલાં જોવા મળ્યા હતાં. ઝૈતોન વિસ્તારમાં ભોજન વિતરણ કરતા વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો હતો. જ્યાં 13 લોકો માર્યા ગયા હતાં. આ સિવાય ગાઝાના યાફા શાળામાં પણ બોમ્બ ફેંક્યો હતો.
વ્હાઈટ હાઉસ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. અમેરિકાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ હવે ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અને બંધકોને મુક્ત કરવા પર ચર્ચા કરી રહ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર કરાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ટ્રમ્પે પણ ગત શુક્રવારે સંકેત આપ્યો હતો કે, આગામી સપ્તાહ સુધી યુદ્ધવિરામ પર સહમતિ મળી શકે છે.