રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.