/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/01-51.jpg)
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર દ્વારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ - ભરૂચ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-ભરૂચના ઉપક્રમે અંકલેશ્વર તાલુકા-નગરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષે ધોરણ-૧ થી ૫ ફુમાં આનંદદાયી અને પ્રવૃત્તિમય બાળ મેળા અને ધોરણ- ૬ થી ૮ માં લાઇફ સ્કીલ(જીવન કૌશલ્ય) મેળા પ્રવેશોત્સવના સાંનિધ્યે યોજવાનું આયોજન થયેલ. તા.૨૪ જૂન - ૨૦૧૯ ને સોમવારના રોજ સમગ્ર તાલુકા અને નગરની ૮૯ જેટલી શાળાઓમાં બાળમેળો યોજવામાં આવ્યો. પ્રાથમિક વિભાગ ૧ થી ૫ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ૬ થી ૮ ના ધોરણોને નિર્ધારિત માર્ગદર્શિકા મુજબની પ્રવૃત્તિઓ શિક્ષકોના સાંનિધ્યે બાળકોએ અનેરો ઉત્સાહ સાથે કરી અનોખું આનંદદાયી, ભાવસભર, કૌશલ્યવર્ધન વાતાવરણ સર્જ્યું હતું.
આનંદદાયી અને પ્રવૃતિમય બાળમેળામાં ગીત-સંગીત, અભિનય વેશભૂષા, બાળ રમત, બાળવર્તા, બાળનાટક સાથે માટીકામ, છાપકામ, ચિત્રકામ, રંગપુરણી, ગડીકામ, કાતરકામ, કાગળકામ, ચીટકકામ, શબ્દરમત, ભાષા-ગણિત શિક્ષણ અનુરૂપ પઝલ્સ જેવી પ્રવૃત્તિઓ કરી હતી.
લાઇફ સ્કીલ મેળામાં ઉચ્ચ પ્રાથમિક ધોરણ ૬ થી ૮ ના બાળકોએ ફયુઝ બાંધવો, સ્ક્રુ લગાવવા, કૂકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંન્ચર, ઇસ્ત્રીનો ઉપયોગ, ગેસનું સિલિન્ડર બદલવું, પુષ્પગુચ્છ બનાવવું, પૂંઠા ચઢાવવા સમાચાર પત્રોના કટિંગ કરી ચીટકાવવા, સફાઇના સાધનો, રસોઇના સાધનોનો યોગ્ય ઉપોયોગ સાથે જાળવણી, બાગકામ, રંગોળી, ચિત્ર, પુસ્તક પ્રદર્શન, શાકભાજી સમારવા, જેવા જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો પ્રવૃત્તિ કરી ખિલવ્યા હતા.
સ્વચ્છતા અભિયાન હેઠળ સૌએ સહભાગી બની શાળા પરિસર, બાગ, રમત-ગમતનું મેદાન, જાહેર રોડની સમૂહ સફાઇ યોજી તોરણોથી સુશોભન કર્યું હતું. બાળકોના ઊંચાઇ વજનનું માપન કરાયું. સ્વચ્છતા સબંધી સૂત્રો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ, ચિત્ર સ્પર્ધા આયોજીત કરાઇ હતી.
બીઆરસી કો.ઓ. મેડમના યજમાન પદે બીઆરસી ભવન અંકલેશ્વરમાં પ્રસન્ન, આનંદપ્રદ, ઉત્સાહ સભર વાતાવરણમાં બાળ મેળો સંપન્ન કરાયો.