આણંદમાં ૭ વર્ષની ફૂટપાથ પર રહેતી બાળા પર દુષ્કર્મ

New Update
આણંદમાં ૭ વર્ષની ફૂટપાથ પર રહેતી બાળા પર દુષ્કર્મ

આણંદ પાસેથી અજાણ્યા શખ્સે ૭ વર્ષીય એક છોકરીનું અપહરણ અને રેપ કરી ઈજાગ્રસ્ત હાલતમાં તેને રેલવે ક્રોસિંગ પાસે ફેંકી દીધી હોવાની શરમજનક ઘટના સામે આવી છે. બુધવારે પીડિતાની માતા દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. આણંદમાં મા-દીકરી ફૂટપાથ પર જ રહેતાં હતાં. ગત મંગળવારે રાત્રે અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ કરી તેને ગામડી પાસે લઈ જઈ નરાધમે તેનો રેપ કર્યો હતો. બાદમાં બાળકીને ઈજાગ્રસ્ત હાલતમાં ત્રિકમનગર રેલવે ક્રોસિંગ પાસે ફેંકીને ચાલ્યો ગયો હતો.

સૂત્રોએ જણાવ્યા મુજબ મંગળવારે છોકરીની માતાની તબિયત ઠીક ન હતી અને મોબાઈલની દુકાનની પાસે આવેલ ફૂટપાથ પર જ ઊંઘી ગયાં હતાં જ્યાંથી બાળકીનું અપહરણ થયું હતું, ઉલ્લેખનીય છે કે આ સ્થળ આણંદ પોલીસ સ્ટેશનની એકદમ નજીક હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બાળકીને અપહરણ કરનાર શખ્સનો કોઈ અત્તોપત્તો લાગ્યો નથી.

ફરિયાદ મુજબ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બાળકીનું અપહરણ થયું હતું. બાદમાં બાળકીને રેલવે ક્રોસિંગની પાસે જ ફેંકી દેવામાં આવી હતી. મુસાફરોએ જણાવ્યું કે ઈજાગ્રસ્ત બાળકી રડી રહી હતી, ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને બાળકીને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી. દરમિયાન બાળકીની માતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને બાળકી ગાયબ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આણંદ ડિવિઝન ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઑફ પોલીસ બીડી જાડેજાએ કહ્યું કે પીડિતાની માતાએ લગાવેલા આરોપો અંગે ફરિયાદ નોંધી છે. બાળકી બોલવાની સ્થિતિમાં નથી અને હજુ તેણી વિશે માહિતી એકઠી કરવાની બાકી છે. ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટ અને ડોગ સ્ક્વૉડની મદદ લેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે પણ આરોપીને દબોચવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Latest Stories