/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/05.jpg)
નવા બનતાં બિલ્ડિંગમાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.
આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેના પરિસરમાં આરોગ્ય કેન્દ્રના સ્ટાફ માટે ક્વાર્ટસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું આરોગ્ય કેન્દ્રના તબીબોમાં ચર્ચાઈ રહ્યું છે.
આમોદ આરોગ્ય કેન્દ્ર અને રેફરલ હોસ્પિટલ પરિસરરમાં આરોગ્ય કેન્દ્રના તબીબ અધિક્ષક તથા અન્ય સ્ટાફ માટે અદ્યતન બિલ્ડીંગમાં રહેવા માટે ક્વાર્ટસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાક્ટર દ્વારા ખાયકી કરવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સરકારી કામમાં જ ચાલતા આવા ભ્રષ્ટાચારથી સરકારી ઇમારત કેટલું ટકશે તે જોવું રહ્યું.
આ ઉપરાંત જે તે કોન્ટ્રાક્ટરે સ્ટાફ ક્વાર્ટસનું અદ્યતન બિલ્ડીંગમાં પાણી છંટકાવ માટે પાણીની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના જ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી દર્દીઓને પણ પાણી વિના તરવળવું પડે છે. આ ઉપરાંત નવી બનેલી ઇમારતને તેની મજબૂતી ટકાવી રાખવા માટે સમયસર પાણીનો છંટકાવ કરવો જરૂરી હોય છે. પરંતુ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ધોમધખતા તાપમાં નવી બની રહેલી બિલ્ડિંગમાં પાણીનો છંટકાવ કરવામાં આવતો ન હોવાની બુમો ઉઠવા પામી છે. જેના કારણે નવી બનેલી બિલ્ડીંગનું આયુષ્ય કેટલું હશે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે આમોદ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબોએ પણ પાણીનો છંટકાવ કરવા માટે કોન્ટ્રાક્ટરના માણસનું અનેક વખત ધ્યાન દોર્યું હોવા છતાં કોન્ટ્રાક્ટરના માણસે પણ તબીબ સાથે ગેરવર્તણૂક કરી આ મુજબ જ કામ ચાલશેની શેખી મારી હતી. જેથી તબીબ વર્ગ પણ નવા બનતા બિલ્ડિંગના બાંધકામથી અસંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે આરોગ્ય વિભાગના કાર્યપાલક ઈજનેર રાકેશ મીઠાઈવાલાનો ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું હતું કે હમણાં હું રજા ઉપર છું. તમે એક્ઝિક્યુટિવ ઇજાનેરનો સંપર્ક કરો.
ત્યારબાદ એક્ઝિક્યુટિવ ઇજાનેરનો સંપર્ક ના થતા સુપરવાઈઝર પીયૂષભાઈનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે મેં સ્થળ ઉપર જઈને આવ્યો છું. અને કોન્ટ્રાક્ટરના માણસને ખખડાવ્યો છે. અને બિલ્ડીંગને પાણી પીવડાવવાની સૂચના પણ આપી છે.
સેંટિંગનો સામાન અસ્તવ્યસ્ત પડી રહેતા સરકારી એમ્બ્યુલન્સને ચારથી પાંચ વખત પંચર.
આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો તથા સ્ટાફને રહેવા માટે અદ્યતન બિલ્ડિંગમાં ક્વાટર્સનું બાંધકામ ચાલુ છે. જેથી કોન્ટ્રાક્ટરનો સળીયા સેંટિંગનો સામાન આરોગ્ય કેન્દ્રના પરિસરમાં જેમ તેમ પડ્યો હોવાને કારણે ખીલી તેમજ નાના તાર વિગેરે અસ્તવ્યસ્ત હોવાથી સરકારી એમ્બ્યુલન્સને એક મહિનામાં ત્રણ થી ચાર વખત પંચર પડ્યું હોવાનું એમ્બ્યુલન્સ ચાલકે જણાવ્યું હતું.