ગુજરાતમાં નામ સાથે 'સિંહ' લખવાનો વિવાદ, MLA અલ્પેશ ઠાકોરનું સરકારને અલ્ટિમેટમ

New Update
ગુજરાતમાં નામ સાથે 'સિંહ' લખવાનો વિવાદ, MLA અલ્પેશ ઠાકોરનું સરકારને અલ્ટિમેટમ

અલ્પેશ ઠાકોરે કહ્યું 'અસામાજીકોની ધરપકડ કરો, નહીં તો અમને પણ હાથ તોડતા આવડે છે'

publive-image

ગુજરાતમાં તાજેતરમાં નામ પાછળ સિંહ રાખવા કે પછી મૂછો રાખવા બદલ યુવકોને માર માર્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કો, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ રહી છે. સાથે જ તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે ગરીબ યુવકોને રંજાડતા અસામાજીક તત્વો જો સુધરશે નહીં તો તેમના હાથ તોડતા પણ ઠાકોર સેનાને આવડે છે. અલ્પેશ ઠાકોરે તાજેતરમાં બનાસકાંઠામાં નામ પાછળ સિંહ લખવા બાબતે યુવકને મૂછો મુંડાવવાની ફરજ પાડનાર અસામાજિક તત્વોની ધરપકડ કરવા માટે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવી પણી ચીમકી ઉચ્ચારી છે કે, જો આરોપી નહીં પકડાય તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

publive-image

અલ્પેશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "વિવિધ બનાવો પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિત જ નથી. આટલા બનાવો પછી પણ રાજ્યના ગૃહમંત્રી ચૂપ બેઠા છે. જાતિય ટિપ્પણી કરનાર કે પછી ગરીબ પરિવારના દીકરાઓને રંજાડનારા અસામાજિક તત્વોને હું ચેતવણી આપું છું કે, એવું માનવાની ભૂલ ન કરશો કે તમને સજા કરનારું કોઈ નથી. આવા અસામાજિક તત્વોના હાથ તોડતા પણ ઠાકોર સેનાને આવડે છે." નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી નામ પાછળ સિંહ લખવા બાબતે યુવકોને માર મારવાની અનેક ઘટનાઓ સામે આવી છે. સૌપ્રથમ ધોળકામાં દલિત યુવકને નામ પાછળ સિંહ લખવા બદલ માર મારવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઉત્તર ગુજરાતમાં ત્રણ યુવકોને નામ પાછળ સિંહ લખવા બદલ જાહેરમાં માર મારીને માફી માંગવાની ફરજ પાડવામાં આવી હતી. તો બનાસકાંઠામાં સિંહ અટક રાખવા બદલ એક યુવકને મૂછો મુંડાવવાની ફરજ પાડવામાં આવ્યોનો બનાવ સામે આવ્યો છે.

Latest Stories