/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/winter-01.jpg)
હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો શુક્રવારે 2.4 ડિગ્રી નોંધાયો હતો
ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જેના પગલે શીત લહેર પ્રસરતાં સીધા પવન રાજસ્થાનના રણ પ્રદેશ થઈને ગુજરાત તરફ આવી રહ્યા છે. જેના પગલે રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી હતી. જ્યાં લઘુત્તમ તાપમાનના પારો 5.8 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. જ્યારે ડીસા ખાતે પણ 10.1 ડિગ્રી તાપમાન સાથે વધુ ઠંડી નોંધાઈ હતી. હાલ ગુજરાત ઉત્તરીય પવનોને લીધે શીતલહેરમાંથી પસાર થઈ રહ્યો છે.
બીજી તરફ હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો દિવસે ને દિવસે ગગડી રહ્યો છે. માઉન્ટ આબુમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી હતું. જે શુક્રવારે ગગડીને 2.4 ડિગ્રી નોંધાયું હતું. ઠંડીનો વધારો થતાં માઉન્ટ આબુમાં ખુલ્લામાં પડેલા પાણીના વાસણોમાં બરફ જામી ગયો હતો.
યાત્રાધામ બેટદ્વારકા જતી ફેરીબોટ સર્વિસ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ભfરે પવન અને ખરાબ હવામાનના કારણે બંધ કરવામાં આવી છે. પ્રવાસી ભાવિકોની સલામતીને કારણે ફેરી બોટ બંધ કરવામાં આવી હતી.જેના કારણે અનેક ભવિકો ઓખા જેટીએથી જ પરત ફર્યા હતાં. જયા સુધી હવામાન રાબેતા મુજબ ન થાય અને પવન શાંત ન થાય ત્યાં સુધી બેટ દ્વારકા યાત્રિકો ને લઈ જતી ફેરી બોટ બંધ કરવાનો નિર્ણય જીએમબી દ્વારા લેવાયો છે.