/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-2-copy-3.jpg)
ગોધરા મામલતદાર દ્વારા દિવ્યાંગને માત્ર ૧૫ મિનિટમાં જ રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યુ
પંચમહાલ જિલ્લાની કચેરીઓમાં કામકાજ અર્થે આવતા દિવ્યાંગ મુલાકાતીઓને મદદરૂપ થવાની કલેક્ટરે પહેલ કરી અન્ય અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જેના ભાગરૂપે ગોધરા મામલતદાર દ્વારા દિવ્યાંગને માત્ર ૧૫ મિનિટમાં જ રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યુ હતું. જિલ્લા કલેક્ટરના અનુરોધ બાદ ડીએસપી કચેરી ખાતે પણ દિવ્યાંગ મુલાકાતી માટે સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
સમાજના અભિન્ન અંગ એવા દિવ્યાંગો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સહાનુભૂતી દાખવી છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે પોતાની કચેરીએ આવતા દિવ્યાંગ મુલાકાતીઓને પોતે નીચે આવી રજૂઆત સાંભળવાની પહેલ કરી છે. જેના બાદ કલેક્ટરે સંકલન બેઠકમાં જિલ્લાના અન્ય અધિકારીઓને સ્વૈચ્છીક રીતે ઉક્ત સરાહનીય પ્રવૃત્તિના સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. જેના બાદ જિલ્લા પોલીસવડાએ પોતાની કચેરીઓમાં બોર્ડ ફીટ કરાવી દિવ્યાંગ મુલાકાતીઓને પોતે નીચે મળવા આવશે એવી જાહેરાત કરી છે.
એવી જ રીતે ગોધરા મામલતદાર આર.આર.ગરોડએ પોતાની કચેરીએ દિવ્યાંગોને સહાયરૂપ થવાની કામગીરી શરૂ કરી છે. ગોધરા મામલતદાર કચેરીએ રેશનકાર્ડ માટે આવેલા દિવ્યાંગ અરજદારને માત્ર ૧૫ જ મિનિટમાં નવુ રેશનકાર્ડકાઢી આપવામાં આવ્યુ હતું. મામલતદાર કચેરીએ મળેલી હૂંફને લઇ દિવ્યાંગ અરજદારે પણ આભાર વ્યક્ત કર્યો હતો.