/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/02-4.jpg)
હોળી-ધૂળેટીના તહેવારમાં રોડ પર પોતાની માનતા પૂરી કરવા 10-20 રૂપિયા જેટલી રકમ ગેર સ્વરૂપે ઉઘરાવવા ઉભા રહેલા ગેરીયાથી કારનો સાઈડ ગ્લાસ તૂટી જવાની નજીવી બાબતે બોલાચાલી થઇ ઝપાઝપી બાદ ગેરીયાને ગાડી ચાલકે તેના પિતાને બોલાવી તેના ગામ લઈ માર મારી મોત નીપજાવ્યું હતું.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં બોડેલી - કવાંટ રોડ પર આવેલ ધરોલીયા ગામે તારીખ 21 ના બપોરના સમયે હોળી-ધુળેટીનો તહેવાર હોય. ગેરઉઘરાવવા ઉભા રહેલા એક ગેરીયા એ હરખપુર થી બોડેલી તરફ આવી રહેલી એક સ્વીફ્ટ ગાડીને ગેર માટે હાથ કરી ઉભી રાખતા ઘેરીયા થી ગાડીનો સાઈડ ગ્લાસ તૂટી જતા ગાડીના ચાલકે તેની સાથે બોલાચાલી કરી. ઝપા ઝપી ધોલધાપટ કરી હતી. ગાડીના ચાલકે તેના પિતાને બોલાવી ગેરીયાને ગાડીમાં ઉઠાવી પોતાના ગામ લઈ જઈ રૂમમાં પૂરી ગડદાપાટુનો માર મારી તેના સંબંધી સાથે તેને તેના ઘરે મોકલી દીધો હતો.
ઘેર પહોંચતા ગતરાત્રીના કલાકોમાં તેનું મોત નિપજતા. આખરે સમગ્ર મામલો બોડેલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. બોડેલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી સ્વીફ્ટ ગાડીના ચાલક સહીત ત્રણ આરોપી ઇસમો સામે ગુનો નોંધી મરણ જનાર ગેરીયાના મૃતદેહને જબુગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આદિવાસી સમાજનું બહુમૂલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વનું કંઈક અલગ જ મહત્વ રહેલું છે. હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી આ વિસ્તારના આદિવાસી લોકો કંઈક અલગ રીતે જ કરતા હોય છે. પાંચ પાંચ દિવસો સુધી ચાલતા આ તહેવારમાં આદિવાસી સમાજના કેટલાક લોકો પોતાની માનતા પૂરી કરવા શરીર પર કાળા ધોળા વિવિધ રંગો લગાવી માથે મોરપીંછ સહિતની વિવિધ ચીજો બાંધી કેડમાં તુંબડી અને ખણકતા ઘૂઘરા બાંધી હાથમાં તીરકામઠાં સાથેનો અલગ જ વેશ ધારણ કરી ગેર ઉઘરાવી પોતાની માનતા પૂરી કરતા હોય છે.
આવી જ રીતે ગઈકાલે બપોરના બોડેલી કવાંટ રોડ પર આવેલ ધરોલીયા ગામે રોડ પર ગામના વિઠ્ઠલભાઈ દીપાભાઇ કોળી રોડ પર ઉભી રહી ગેર ઉઘરાવતા હતા. ત્યારે જેતપુરપાવી તાલુકાના ધરમપુર ગામે રહેતા મેહુલભાઈ રમેશભાઈ ઉર્ફે સુરેશભાઈ રાઠવા તેમની બહેન હિરલબેન રમેશભાઈ રાઠવાને તેમની સ્વીફ્ટ ગાડીમાં બેસાડી બોડેલી તરફ જઇ રહ્યા હતા. તે વખતે ધરોલીયા ગામ પાસે ગેર ઉઘરાવવા ઉભા રહેલા વિઠ્ઠલભાઇએ સ્વીફ્ટ ગાડીને ઉભી રાખવા હાથ લાંબો કર્યો હતો. જેમાં તેમનો હાથ ગાડીના સાઈડ ગ્લાસ પર અથડાતા સાઈડ ગ્લાસ તૂટી ગયો હતો. જેથી ગાડી ચલાવી રહેલા મેહુલ ભાઈ રાઠવા ગાડીમાંથી ઉતરી વિઠ્ઠલભાઈ કોળી સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી રહ્યા હતા. તે વખતે નજીકમાં રહેતા કિશનભાઇ જતનભાઇ કોળી અને તેમના પત્ની લીલાબેન કોળી તેમજ પંકજભાઈ પહોંચી વિઠ્ઠલભાઈને છોડાવવાના પ્રયત્નો કર્યા હતા. અને ગાડીના ચાલક મેહુલભાઇને તેમની ગાડીના તૂટી ગયેલા સાઈડ ગ્લાસના પૈસા આપી દેવાનું કહેવાનું છતાં મેહુલભાઈએ વિઠ્ઠલભાઇને તેમજ સાથેના પંકજભાઈ ને લાકડી વડે માર માર્યો હતો. જ્યારે ગાડીમાં સાથે બેઠેલા હિરલબેનએ ગાડીમાંથી ઉતરી લીલાબેન કિશનભાઈ કોળીને લાફો મારી ગાળો બોલી ધમકી આપી હતી.
વાત આટલેથી અટકી ન હતી અને મેહુલભાઈ રાઠવાએ બનાવની જાણ તેમના પિતા રમેશભાઈ ઉર્ફે સુરેશભાઈ જલુભાઈ રાઠવાને કરતા તેઓ પણ બનાવનાર સ્થળે આવી પહોંચી. વિઠ્ઠલભાઈ કોડી અને પંકજભાઈને તેમની સ્વીફ્ટ ગાડીમાં બેસાડી તેમના ગામ હરખપુર લઈ ગયા હતા. જ્યાં વિઠ્ઠલભાઈ કોળીને એક મકાનમાં પુરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારે વિઠ્ઠલભાઈ કોળીના સંબંધીઓ હરખપુર પહોંચી જઈ વાતચીત કરી પૈસા આપી સમાધાન કરતા વિઠ્ઠલભાઈ કોળીને તેમના સંબંધો સાથે ધરોલીયા તેમના ઘરે મોકલી દીધા હતા.પરંતુ રાત્રિના સમય દરમિયાન વિઠ્ઠલભાઈ કોળીનું મોત નિપજ્યું હતું.
આમ, માત્ર દસ વીસ રૂપિયાની ગેર માગવા બાબતે થયેલ બોલાચાલી અને ઝપાઝપી બાદ ગેર ઉઘરાવનાર વિઠ્ઠલભાઈ કોળીનું મૃત્યુ થતાં સમગ્ર બનાવની જાણ કિશનભાઇ જતન ભાઈ કોળીએ બોડેલી પોલીસને કરતા સી.પી.આઈ. વી.આર.ભીલ તેમજ પો.સ.ઇ. સી.ડી.પટેલ તેમના પોલીસ સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. અને કિશનભાઇ કોળીની ફરિયાદ આધારે આરોપી ઈસમો (૧) મેહુલ ભાઈ રમેશભાઈ ઉર્ફે સુરેશભાઈ રાઠવા, (૨) રમેશભાઈ ઉર્ફે સુરેશભાઈ જલુભાઈ રાઠવા અને(૩) હિરલબેન તમામ રહેવાસી હરખપુર, તા. જેતપુર પાવી, જિ. છોટાઉદેપુર નાઓ સામે ઈપીકો કલમ ૩૦૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૪૨,૧૧૪ તેમજ જપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપી નંબર 1 મેહુલ ભાઈ રાઠવા ની ધરપકડ કરી હતી.
આમ માત્ર ગેર ઉઘરાવવાની નજીવી બાબતે બીચકેલા મામલામાં ગેર ઉઘરાવતા ધરોલીયાના વિઠ્ઠલભાઈ દીપાભાઇ કોળીનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે હાહાકાર વ્યાપી ગયો હતો.