/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/asiatic-lions_cb703ea4-c6a0-11e6-afe5-88e9648d1b9f-copy.jpg)
બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢની સિવિલમાં ખસેડાયા
જુનાગઢના દેવળિયા પાર્કમાં વનરાજે પાર્કમાં કામ કરતા ત્રણ કર્મીઓ ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે બે કર્મીઓને ગંભીર ઈજાના પગલે જુનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારે સવારે દેવળીયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતાં રજનીશ કેશવાલાનું મોત નિપજ્યું છે. સિંહે હુમલો કર્યો તે સમયે ત્યાં હાજર અન્ય એક મજુર દિનેશે, રજનીશને બચાવવાના પ્રયાસો કર્યાં હતા. જો કે સિંહે દિનેશ પર પણ હુમલો કર્યો હતો. જો કે દિનેશ સિંહના પંજામાંથી છટકવામાં સફળ રહ્યો હતો અને આ હુમલા અંગે વન વિભાગને જાણ કરી હતી. સિંહના હુમલામાં ઘાયલ થયેલાં દિનેશને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રજનીશને સાવજ જંગલમાં ઘસડીને લઈ ગયો હતો. ત્યારે વન વિભાગે તેને શોધવાના ઘણાં પ્રયાસો કર્યાં હતા.
રજનીશ કેશવાલાને શોધવા ગયેલા એક ફોરેસ્ટર પર પણ સિંહે હુમલો કર્યો હતો. જો કે તેને સામાન્ય ઈજા જ થઈ હતી. ત્યારે તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રજનીશ સાસણ ગામનો રહેવાસી હતો. જે છેલ્લાં 10 માસથી જ ટ્રેકિંગમાં જાડાયાં હતા. આ પહેલાં તે જિપ્સીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં હતા. જો કે આ હુમલો કેવી રીતે થયો તેની વિગત બહાર આવી નથી. કેમકે દેવળીયા સફારી પાર્ક એક રીતે ઝૂ છે જેમાં સિંહોને પાંજરામાં રાખવામાં આવે છે. અને દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે તેમને ખુલ્લા છોડવામાં આવતા હોય છે.