/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/bullet-train-7591-1.jpg)
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા માટેની કાર્યવાહી અંતર્ગત બુધવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે યોજાયેલી બેઠકમાં હાજર ખેડૂતોએ પ્રચંડ વિરોધ દર્શાવી, સમસ્ત પ્રોજેક્ટનો એક સૂરે વિરોધ કર્યો હતો. ગઈકાલે નવસારી જલાલપોરના ખેડૂતોએ આ મુદ્દે જાપાનની સંસદ સુધી પહોંચીને વિરોધ કરવાની ચીમકી આપી હતી.
સૂચિત હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં વલસાડ જિલ્લાના ૩૦ ગામોના ખેડૂતોની જમીન સંપાદિત કરવાની કવાયત શરૂ કરાઇ છે. જે બાબતે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં પ્રોજેક્ટ મેનેજર અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રખાયેલી જાહેર સુનાવણીમાં વલસાડ જિલ્લા ખેડૂત સમાજના ભગુભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોને કોઈ પણ નોટિસ મળી ન હોવાનું જણાવી સુનાવણીનો જ વિરોધ કર્યો હતો. આ ઉપરાંત જમીન સંપાદનની કાર્યવાહી બાબતે અખબારમાં કોઈ જાહેરાત ન અપાઈ હોવાનું જણાવી, ખેડૂતોએ તેમની જમીન સંપાદન નહિ થવા દેવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ખેડૂત આગેવાનોએ, તેઓ વિકાસનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ ખેડૂતોના વિનાશના ભોગે વિકાસ કરવાની નીતિથી નારાજ હોવાનું જણાવ્યું હતું. સુનાવણીમાં, અસરગ્રસ્ત ખેડૂતોના સોશિયલ ઈમ્પેક્ટ બાબતે કોઈ જોગવાઈ નથી તેથી સમસ્ત પ્રક્રિયા નિયમ અને કાયદાઓની વિરુદ્ધમાં હોવાનું રોષભેર જણાવતા, ખેડૂતોએ આ પ્રોજેક્ટ કોમર્શિયલ છે તેથી જો ખેડૂતોને વળતર ચૂકવવાનું હોય તો કોમર્શિયલ ધારાધોરણો અને વર્તમાન બજાર કિંમત મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ખેડૂતોએ જમીન સંપાદન થવાના સંજોગોમાં ૬ લાખ વૃક્ષો કાપવાની ફરજ પડશે તેવું જણાવી આ બાબતે કરવામાં આવેલો સર્વે ભ્રામક અને પાયાવિહોણા હોવાનો આક્ષેપ કરી વૃક્ષોના વળતર બાબતે સ્પષ્ટતા કરવા માંગ કરી હતી.